આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાસે આવી પડ્યો. હું મનાઈહુકમનો અનાદર કરીને પ્રવેશ કરું તો તે વિનયી અનાદર ન ગણાય, એમ મને લાગ્યું. શાંતિની જે પ્રતીતિ હું ઈચ્છતો હતો તે હજુ મને નહોતી થઈ. પંજાબની નાદિરશાહીએ લોકોની અશાંત વૃત્તિને વધારી હતી. આવે સમયે મારો કાનૂનભંગ બળતામાં ઘી હોમવા જેવો થાય એમ મને લાગ્યું, ને મેં સહસા પંજાબમાં પ્રવેશ કરવાની સૂચનાને માન ન આપ્યું. આ નિર્ણય મારે સારુ કડવો ઘૂંટડો હતો. રોજ પંજાબથી ગેરઈન્સાફના ખબર આવે, ને રોજ મારે તે સાંભળવા ને દાંત પીસી બેસી રહેવું!

આટલામાં મિ. હૉનિમૅન, જેમણે 'ક્રૉનિકલ'ને એક પ્રચંડ શક્તિ બનાવી મૂક્યું હતું, તેમને પ્રજાને સૂતી મૂકી સરકાર ચોરી ગઈ. આ ચોરીમાં જે ગંદકી હતી તેની બદબો મને હજુયે આવ્યાં કરે છે. હું જાણું છું કે મિ. હૉનિમૅન અંધાધૂંધી નહોતા ઈચ્છતા. મેં સત્યાગ્રહ સમિતિની સલાહ વિના પંજાબ સરકારના હુકમનો ભંગ કર્યો તે તેમને નહોતું ગમ્યું. સવિનય ભંગ મુલતવી રાખ્યો તેમાં તે પૂરા સંમત થયા હતા. મુલતવી રાખવાનો ઈરાદો મેં પ્રગટ કર્યો તેના પહેલાં જ મુલતવી રાખવાની સલાહનો તેમનો કાગળ મને મોકલાયો હતો, તે મારો ઇરાદો પ્રગટ થયા અછી અમદાવાદ ને મુંબઈ વચ્ચેના અંતરને લીધે મને મળી શક્યો. એટલે તેમના દેશનિકાલથી મને જેટલું આશ્ચર્ય થયું તેટલું જ દુ:ખ થયું.

આમ થવાથી 'ક્રૉનિકલ'ના વ્યવસ્થાપકોએ તે ચલાવવાનો બોજો મારી ઉપર મૂક્યો. મિ. બ્રેલ્વી તો હતા જ, એટલે મારે બહુ કરવાપણું નહોતું રહેતું. છતાં મારા સ્વભાવ પ્રમાણે મારે આ જવાબદારી બહુ થઈ પડી હતી.

પણ મારે તે જવાબદારી લાંબો સમય વેઠવી ન પડી. સરકારની મહેરબાનીથી તે બંધ થયું.

જેઓ 'ક્રૉનિકલ'ના વહીવટમાં કર્તાહર્તા હતા તેઓ જ 'યંગ ઇંડિયા'ના વહીવટ ઉપર અંકુશ રાખતા — ઉમર સોબાની અને શંકરલાલ બૅંકર. આ બંને ભાઈઓએ 'યંગ ઇંડિયા'ની જવાબદારી ઓઢવાનું મને સૂચવ્યું ને 'યંગ ઇંડિયા'ને 'ક્રૉનિકલ'ની ખોટ હળવી કરવા સારુ અઠવાડિયાના એક વખતને બદલે બે વખત કાઢવાનું તેમને ને મને ઠીક લાગ્યું. સત્યાગ્રહનું રહસ્ય સમજાવવાની મને હોંશ હતી. પંજાબ વિષે હું કંઈ નહીં તો પણ