આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરથમની આથમણા ખૂણાની કોટડી મળી જાય તો ઠીક, ત્યાં ચાર-પાંચ વખતથી ગોથી ગયેલું છે.'

ભદ્રંભદ્રે કુતૂહલથી પૂછ્યું, 'શું આપ રાજમંદિરમાં પ્રથમ કોઈની સેવામાં રહેલા છો?'

'આપણે આપણી સેવામાં. અંદર હેંડોને એટલે ભોમિયા થશો.'

પહેરેગીરે અરુચિ દર્શાવ્યાથી આ વાતચીત બંધ પડી. દરવાજા તરફ અમને લઈ ગયા તેથી મારી ખાતરી થઈ કે આ જેલ છે અને તે હકીકત મેં ભદ્રંભદ્રને કહી જણાવી. ઘણી આનાકાની પછી એ વાતની સત્યતા તેમણે કબૂલ રાખી.

અમારા આગમનની અંદર ખબર મોકલાવી. 'જેલર સાહેબ' આવતા સુધી અમને બહાર ઊભા રાખ્યા. તેમણે આવી પ્રથમ અમારાં 'વારંટ' તપાસ્યાં. અમે જેલમાં રહેવાને પૂરેપૂરા હકદાર છીએ એવી ખાતરી કરી અમને અંદર દાખલ કર્યા.

૨૯ : ભદ્રંભદ્ર જેલમાં

જેલની અંદર અમારી બહુ સરભરા કરવામાં આવી. અમને તોળ્યા, અમને માપ્યા, અમારા શરીર પરનાં નિશાન તપાસ્યાં, એને લખી લીધાં, અમારાં લૂગડાં બદલાવ્યાં. નવાં વસ્ત્ર ધારણ કરવાની ભદ્રંભદ્રે કંઈક નાખુશી બતાવી પણ જેલર સાહેબે આગ્રહ કર્યો તેથી આખરે ના કહેવાઈ નહિ. જેલર સાહેબે અમને સર્વને ધીરજ આપી, અપીલ કરવાની સમજણ પાડી અને જેલમાં સારી રીતે વર્તવાની શિખામણ દીધી.

અન્તરાવાસમાં જતાં જેલવાસીઓના મહોટા સમુદાય સાથે અમારો મેળાપ થયો. દળવા, વણવા, ભરવા વગેરે જુદા જુદા વ્યાપારમાં તેઓ ગૂંથાયેલા હતા, પણ કોઈના મહોં પર ખેદ જણાતો નહોતો. અમારી સાથે આવનારમાંના જેમને જૂના ઓળખીતા હતા તેમણે બહુ હર્ષથી પરસ્પર 'રામ રામ' કર્યા - ભદ્રંભદ્રને એક ઘંટીએ દળવા બેસાડ્યા, પાસે બીજી ઘંટીએ મને બેસાડ્યો, ક્ષણ વાર પછી ભદ્રંભદ્રના સાથીએ તેમની દૂંદમાં એકાએક આંગળી ભોંકી કહ્યું, 'કેમ ભટ, લાડુ ખવડાવીશ કે ?'

ભદ્રંભદ્ર ક્ષોભથી ઊભા થઈ ગયા અને બોલવા જતા હતા, પણ, એક સિપાઈ આવી પહોંચ્યો તેણે ધપ્પો મારી બેસાડી દીધા. એમને ઘંટી ચાલતી રાખવાનો હુકમ કર્યો : સિપાઈ દૂર ગયો એટલે ભદ્રંભદ્રના સાથીએ કહ્યું, 'બચ્ચાજી, બૂમ પાડશે તો હું અને તું બે માર ખાઈશું. અહીં તો બોલવાની જ મનાઈ છે. અહીં કેદીઓનો કાયદો એવો છે કે નવો આવે તે મિજબાની ખવડાવે, સરકારનો કાયદો કોરાણે રહ્યો.'

એક કેદી આઘે નેતરની કંડીઓ ભરતો હતો તે ઊઠીને આવ્યો અને બોલ્યો, 'આ વખત તો લાડુનો વારો છે. કાલે જ બનાવવા પડશે.'

ભદ્રંભદ્રે કહ્યું, 'લાડુ ખાવા તો હું તત્પર છું. લાડુ ખાવા એ આર્યનો ધર્મ છે, ભોજનગૃહમાં આજ્ઞા મોકલો. મારી પાસે પૈસા નથી. પણ પૈસા આપવા એ કારાગૃહપાલનું કર્તવ્ય છે.'