આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩
કાઠિયાવાડીઓને

સુધારે, તેમાં ચારિત્રવાન સેવકો કામ કરતા હોય તો પોતાનાં બાળકોને તેમાં મોકલી તેને મદદ આપે, તેનું ખર્ચ રાજકોટ જ ઉપાડે એ શોભે.

આ વખતની કાઠિયાવાડની મુસાફરીમાં વઢવાણનો સમાવેશ છે. ત્યાંની રાષ્ટ્રીય શાળાને અર્થે હું વઢવાણને થોડા કલાક આપવાનો છું. એ શાળાની પાછળ ઘણો આપભોગ રહેલો છે. ચર્ચા પણ ખૂબ સાંભળી છે. તેની ઉપર વાદળો પણ આવ્યાં છે ને વીખરાયાં છે. વઢવાણમાં ખાદીનું કામ થયું છે. વઢવાણ મોતીલાલની ભૂમિ છે, વઢવાણે ભાઈ શિવલાલનાં સાહસ ને દ્રવ્યનો લાભ લીધો છે. વઢવાણ પાસેથી પણ હું મોટી આશા રાખવાનો છું. તેમાં મને વઢવાણ નિરાશ નહિ કરે એમ માની લઉં છું.

માનપાનમાં વખત કે દ્રવ્ય ગાળવાને બદલે મારી પાસેથી સેવા જ લેવાનો વિચાર દરેક સ્થળે રખાય એમ ઇચ્છું છું. નકામાં ભાષણોમાં પ્રજાનો ને મારા સમય ન જાય એમ કરવા વ્યવસ્થાપાકો પ્રત્યે મારી વિનંતિ છે, જ્યાં સભા ભરવી અનિવાર્ય ગણવામાં આવે ત્યાં ખાદીના પોશાક જ ભાઈબહેનો પહેરે, એટલું માગી લેવાનો મને અધિકાર ખરો?

નવજીવન, ૮–૨–૧૯૨૫