આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
જન્મભૂમિદર્શન

મનુષ્યસ્વભાવમાં માનનારો છું. દરેકમાં આત્મા રહેલો છે, અને દરેક આત્માની શક્તિ મારા આત્માના જેટલી જ છે. મારી શક્તિ તમે જોઈ શકો છો, કારણ મેં મારા આત્માને વીનવીને, ઢોલ વગાડીને, તેની આગળ નાચીને જાગ્રત રાખ્યો છે. તમારો એટલો જાગ્રત ન હોય પણ આપણે સ્વભાવે તો સરખા જ છીએ. રાજાપ્રજા, હિન્દુમુસલમાન લડ્યા કરે છે, પણ એ લોકોને જો ઈશ્વરની મદદ ન હોય તો એક તૃણ પણ હલાવી શકે એમ નથી. પ્રજા એમ માને કે અમે બળવાન થઈ રાજાને નડીશું, અને રાજા એમ માને કે હું બળવાન થઈ પ્રજાને મસળી નાંખીશ; હિન્દુઓ માને કે સાત કરોડ જેટલા મુસલમાનોને કચડી નાંખવા અઘરા નથી, અને મુસલમાન માને કે બાવીસ કરોડ ભાજીખાઉ હિન્દુઓને અમે કચડી નાંખીશું; તો રાજાપ્રજા, હિન્દુ-મુસલમાન બંને મૂર્ખ છે. એ ખુદાનો કલામ છે, વેદનું વાક્ય છે. બાઈબલમાં લખાયું છે કે, માણસ માત્ર એકબીજાના ભાઈબંધ છે. દરેક ધર્મ પોકારે છે કે, સ્નેહની ગાંઠથી જ જગત બંધાઈ રહેલું છે. એ સ્નેહબંધન ન હોય તો, વિદ્રાન શાસ્ત્રીઓ શીખવે છે કે, પૃથ્વીના કણેકણ નોખા થઈ જાય; પાણીમાં પણ સ્નેહ ન હોય તો તેનાં બિંદુ બિંદુ છૂટાં થઈ જાય. તેમ જ મનુષ્ય મનુષ્ય વચ્ચે એ ન હોય તો આપણે મૂઆ પડ્યા છીએ. એટલે આપણે સ્વરાજ ઇચ્છતા હોઈએ, રામરાજ્ય ઇચ્છતા હોઈએ, તો આપણી સૌની સ્નેહની ગાંઠ બંધાવી જોઈશે. એ સ્નેહની ગાંઠ એટલે હાથે કાંતેલા સૂતરની ગાંઠ. એ સૂતર પરદેશી હોય તો એ લોખંડની બેડી થઈ પડે. તમારું અનુસંધાન તો તમારાં ગામડાંની સાથે, રબારીઓની સાથે, બરડાના મેરોની સાથે હોવું જોઈએ. તેને