આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

છે જ. દેશી રાજ્ય નિર્મળ અને સંપૂર્ણ ન્યાયવાન હોઈ શકે. તેને સારુ આપણી પાસે રામરાજ્યનો દાખલો છે. આજકાલનાં દેશી રાજ્યોમાં જે અપૂર્ણતા જોવામાં આવે છે તે એક તરફથી પ્રજાની અપૂર્ણતાને અને બીજી તરફથી અંગ્રેજી રાજ્યતંત્રની અપૂર્ણતાને આભારી છે, એટલે દેશી રાજ્યોની અંધાધૂંધીને વિષે આશ્ચર્ય ન હોય. પણ એવી બન્નેની અપૂર્ણતાની અસર છતાં કેટલાંક દેશી રાજ્યોનો કારભાર દીપી નીકળે છે, એ દેશી રાજ્યની નીતિમત્તાનું સૂચક નથી? મારા લખવા કહેવાનો આશય માત્ર એટલો જ છે કે, દેશી રાજ્યમાં કંઈ સંગ્રહ કરવા જેવું છે જ નહિ ને એનો નાશ જ ઇષ્ટ છે એવો વિચાર યોગ્ય નથી. દેશી રાજ્યોમાં સુધારાને સારુ પૂરો અવકાશ છે ને તેમાં સુધારણા થવાથી તે આદર્શ રાજ્યો બની શકે છે. આજે જે સ્થિતિમાં તે રાજ્યો છે તે જ સ્થિતિમાં તે રહેવાં જોઈએ, એમ કહેવાનો તો મારો આશય નથી જ.

નવજીવન, ૨૪–૫–૧૯૨૫