આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૭
મોરબી પરિષદમાં ગાંધીજી

હાલ પ્રવર્તતી અરાજકતાને લીધે છે. મને પણ એ અરાજકતા પ્રિય છે, પણ મારી અરાજકતામાં એક રાજકતા છે, મારી અશાંતિમાં એક શાંતિ રહેલી છે; પણ મારા મિત્રો એ નથી કબૂલ કરતા. અને છતાં અરાજકતાના, બળવાના વિચારોવાળો છતાં હું માનનારો છું કે આ રાજ્યમાં સુધારાને અવકાશ છે. જો સુધારો થઈ જ ન શકે એમ માનનારો હું થઈ જાઉં, રાજ્યોનો નાશ જ થવો જોઈએ એમ માનનારો થઈ જાઉં, તો પરિષદમાં ભાગ લેતો હું બંધ થઈ જાઉં; કારણ જેનો ધ્વંસ હું ઇચ્છું છું તેને વીનંતિ શી કરવાની હોય ? પણ આજે હું તેમને ધમકાવીને નહિ પણ પ્રેમથી કામ લેવા ઇચ્છું છું. બ્રિટિશ સરકાર સાથે પણ પ્રેમથી કામ લેવા માગું છું. પણ પ્રેમથી તેનો નાશ ઇચ્છું છું, અંગ્રેજોમાં મારા મિત્રો ઘણા છે, પણ એ પદ્ધતિનો હું નાશ ઇચ્છું છું. એટલે એ રાજ્યને હું વિનંતિ નથી કરતો. પણ દેશી રાજ્યોની સ્થિતિ જુદી છે, એ સ્થિતિ જોતાં જે મર્યાદા આપણે મૂકેલી છે તેમાં માનહાનિ નથી. એ સુંદર વૃક્ષ છે, એમાંથી સારાં ફળ નીપજશે. રાજાઓની એમાં સેવા રહેલી છે, કારણ એઓ તે પરાધીન છે; એ પરાધીનતાને આપણે ઓળખવી જોઈએ, અને એ એળખીએ તો એ મર્યાદાને સાચવવી જોઈએ અને તેમને કફોડી સ્થિતિમાં ન મૂકવા જોઈએ. આજના આપણા ઠરાવો બંને પક્ષના હિતને માટે હોવા જોઈએ, રાજા પ્રજા બંનેનું હિત જાળવનારા હોય તો જ શાંતિને માર્ગે આપણે કામ લઈ શકીએ. તમારાં મન પોરબંદર પછી ડગી ગયાં હોય તો હું કહું છું કે તમે શાંત થાઓ. એ મર્યાદામાં રહી તમે ખૂબ કામ લઈ શકશો એમ હું માનું છું.”