આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

જોઈએ છીએ. કેટલાક જમીનદારો આજે પોતાની રૈયતની સાથે સાદાઈની હરીફાઈ કરી રહ્યા છે, ને તેમાં ઓતપ્રોત થવાનો પ્રયત્ન કરે છે. રાજા માત્ર લૂંટનારા જ છે એમ નથી. મારા ભ્રમણમાં મેં સારાનરસાને ભાળ્યા છે. માલિકમાત્ર હૃદયશૂન્ય નથી. ગરીબના રક્ષક મિત્ર તરીકે વર્તનાર ધનિકના ઘણા દાખલા મેં નથી જોયા એ ખરું છે. જે જોયા છે તેમાં પણ સુધારાને અવકાશ છે એ પણ મેં જોયું છે. આ અનુભવ જેને હું રાક્ષસી તંત્ર માનું તેમાં મળ્યા છે. પણ લંકામાં વિભીષણ અપવાદરૂપે હોય તેમાં શી નવાઈ ? જ્યાં એક છે ત્યાં અનેકની આશા જરૂર રખાય. અપવાદનો ગુણાકાર કરીએ એટલે અપવાદ એ સામાન્ય સ્થિતિનું રૂપ પકડે. આ તો મેં શું શક્ય છે એની વાત કરી. એટલેથી પ્રશ્નકારને સંતોષ ન થાય.

શક્યને હસ્તીમાં લાવવાનો પ્રયત્ન તે સત્યાગ્રહ. સત્ય એટલે ન્યાય. ન્યાયી તંત્ર એટલે સત્યયુગ અથવા સ્વરાજ, ધર્મરાજ, રામરાજ, લોકરાજ; આવા તંત્રમાં રાજા પ્રજાનો રક્ષક હોય, મિત્ર હોય. તેના જીવન વચ્ચે ને પ્રજાના રંકમાં રંક અંગ વચ્ચે આજનું આકાશપાતાળ જેટલું અંતર ન હોય. રાજાના મહેલ અને પ્રજાના ઝૂંપડાની વચ્ચે યોગ્ય સામ્ય હોય. બંનેની હાજતોની વસ્તુ વચ્ચે હોય તો નજીવો ભેદ હોય. રાજા અને પ્રજા બંનેને ચોખ્ખાં હવાપાણી હોય. પ્રજાને જરૂરિયાત પૂરતો ખોરાક મળે. રાજા પોતાના ખોરાકમાંથી છપ્પનભોગનો ત્યાગ કરી છ ભોગથી સંતાષ માને. રંક લાકડાના કે માટીના વાસણથી નિર્વાહ કરે તો રાજા પિત્તળાદિ ધાતુનાં વાસણ ભલે વાપરે. સોનારૂપાનાં વાસણો વાપરવાનો લોભ રાખનારા રાજા