આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૪૧
દેશી રાજ્યો

દેશી રાજ્યોના કારભારમાં વચ્ચે નહીં પડવાના મહાસભાના ઠરાવમાં ડહાપણ રહેલું હતું એમ હમણાં હમણાં બનેલા બનાવોએ પુરવાર કરી આપ્યું લાગે છે. રાજ્યબંધારણ ગમે તેટલું અન્યાયી, આપખુદ અને તર્કહીન હોય તોપણ એવું છે કે, કાયદા તેમ જ રાજકાજની દૃષ્ટિએ દરેક નાનું કે મોટું દેશી રાજ્ય બીજા રાજ્યોની જોડેના સબંધમાં તેમ જ હિંદુસ્તાનનો જે ભાગ દેશી રાજ્યોથી જુદો ઓળખાવવાને બ્રિટિશ હિંદ કહેવાય છે તેની સાથેના સબંધમાં એક એક સ્વતંત્ર અખંડ ઘટક છે. સૌમાં જો કોઈ એક વસ્તુ સર્વસામાન્ય હોય તો તે એ છે કે તેઓ બ્રિટિશ અમલના પોલાદી સકંજામાં સપડાયેલાં છે. પણ ભૂગોળની દૃષ્ટિએ તેમ જ લોહીની દૃષ્ટિએ દેશી રાજ્યોના અને હિંદુસ્તાનના બીજા ભાગોના લોકો એક અને અવિભાજ્ય છે, આપણે તેત્રીસ કોટિ સ્ત્રીપુરુષો એકબીજાનાં સગાં છીએ, ને કોઈ પણ બંધારણની કે લશ્કરી યુક્તિ આપણને વિખૂટાં પાડી શકે એમ નથી. આ નૈસર્ગિક સગાઈ કશા અંતરાય વિના ચાલી રહી છે એનું કારણ એ છે કે, રાજ્યબંધારણની આ જે હકીકત છે તે જ્યાં સુધી કાયમ છે ત્યાં સુધી આપણે તેની હસ્તીનો સ્વીકાર કરેલો છે. એ સત્યાગ્રહનો રસ્તો છે; અથવા પાપના અપ્રતિકારનો રસ્તો છે. દાક્તર વૈદ્ય જેમ શરીરમાંની બધી કુદરતી શક્તિઓને ચાલન આપીને ને તેમને પોતાનું બધું જોર અજમાવવા દઈને ઝેરને નીકળી જવા દે છે, તેમ આપણે આ બાબતમાં કરેલું છે.