આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૧
દેશી રાજ્યો અને જવાબદારી

તેમના ભાડૂતી માણસો આ અત્યાચારો કરે છે એટલે એમાંથી કોઈને પકડવાની પોલીસની હિંમત ચાલતી નથી. આ ખુલાસો કેટલે અંશે સાચો છે એ હું કહી શકતો નથી. એક સ્વયંસેવક, જેને ક્વાઈલનની સભામાં લાઠીનો સખત માર પડેલો, તે ‘હિંદુ’ના ખબરપત્રીને આપેલી એક મુલાકાતમાં (જે ‘હિંદુ’ના ૪ થી સપ્ટેંબરના અંકમાં પ્રસિદ્ધ થઈ છે) કહે છે કે, કેટલાક પોલીસોને પથરા ફેંકતાં એણે નજરે જોયેલા. આવા આક્ષેપ સાધારણ રીતે રાજ્ય મહાસભાના સભ્યો કરે છે. રાજ્યના તમામ ભાગમાં સભાઓ ભરાય છે ને ભાષણો થાય છે, પણ ધરપકડો બહુ જ ઓછી થાય છે. સભાઓ મારઝૂડ કરીને વિખેરી નાખવી એ રાજ્યની અત્યારની નીતિ દેખાય છે. ક્વાઈલનની સભા પછી, કોટ્ટાયમથી પાંચ માઈલ દૂર આવેલા પુતુપલ્લી ગામમાં ફરી ગોળીબાર થયો હતો. એક બે જણ મરી ગયા અને કેટલાક ઘાયલ થયા. ચોક્કસ સંખ્યા હજી જાણવામાં આવી નથી, નવા જાહેરનામાની બધી કલમોનો લોકો છડેચોક ભંગ કરે છે. પણ સરકાર ગુનેગારોને પકડીને સજા કરી શકતી નથી, કેમકે રાજ્યમાં એક જ જેલ છે ને તે ભરાઈ ગયેલી છે. સરકાર બધા ગુનેગારોને પકડીને સજા કરવા ઇચ્છે તો તેને વધારે જેલો બાંધવી પડે, કેમકે ગિરફતાર થઈને જેલમાં જવા માગનારની સંખ્યા અત્યારે જ ઘણી મોટી છે ને તે દિવસે દિવસે વધતી જાય છે.”

આ ઉપરાંત ત્રાવણકોરના અનેક ભાગમાં જે ભયાનક દમનસત્ર ચાલી રહેલું છે તેનું વર્ણન આપનારા તારોનો વરસાદ મારા પર વરસી રહ્યો છે. રાજ્યનાં જાહેરનામાં ખોટાં માનીને આ પુરાવાને સાચો માનવો જોઈએ એવું હું નથી કહેતો. પણ હું એમ તો ખસૂસ કહું છું કે હંમેશની જેમ આ સવાલને બે બાજુઓ છે, અને આ બાબતમાં નિષ્પક્ષ તપાસને માટે સબળ કારણ છે.