આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૪૪
ઔંધ રાજ્યમાં સુધારા

ઔંધ રાજ્યનાં રાજા પ્રજા બેઉને મારાં અભિનંદન. રાજાસાહેબે પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર એનાયત કર્યું છે. આ ટચૂકડું રાજ્ય હંમેશનું પ્રગતિશીલ છે. રાજ્યકર્તાએ પોતાની પ્રજાની હાજત ઓળખી લીધી. સામાજિક ક્ષેત્રમાં તો તેઓ પોતે પ્રજાના કરતાં પણ આગળ છે. સંપૂર્ણ જવાબદાર રાજ્યતંત્રની આવી ઘોષણા તેમનાં આજ સુધીનાં કામો જોડે બંધબેસતી છે. મને ઉમેદ છે કે ઢંઢેરામાં જાહેર કરેલા પ્રજાહકો બંધારણ ઘડતી વેળા મોળા નહિ કરી દેવામાં આવે. હું સૂચવું છું કે ખાનગી ખરચની રકમ રૂા. ૩૬,૦૦૦થી કોઈ સંજોગોમાં ન વધવા દેવાની મર્યાદા બાંધવી. કાયદાની નજરમાં સૌ કોઈની સમાનતા, અસ્પૃશ્યતાનો નાશ, અને વાણીસ્વાતંત્ર્ય એ મૂલભૂત હકોની વ્યાખ્યા આપી દેવી. ઢંઢેરાને અંતે પ્રજાને ઉદ્‌બોધન કર્યું છે કે “સ્વરાજ એટલે આત્મસંયમન અને આપભોગ છે. જેમ આખા દેશમાં નવયુગની આશા આપણે સેવીએ છીએ તેમ ઔંધમાં પણ આ રીતે શરૂ થનારા નવયુગ હેઠળ સબળા નબળાની, ધનવાન નિર્ધનની, અને ભણેલા અભણની સેવા કરશે એવી આશ અમે સેવીએ છીએ.”