આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

હોય તેથી બિસ્કિટની સાથે થોડી ચા પીએ, કાઠિયાવાડના ઘઉં ભારે પડે તેથી ને તે રાતા હોય તેથી મુંબઈથી સાંચાનો આટો મંગાવી તેના ફૂલકા ખાય ? જો કોઈ લેખક રાજાઓની લડાઈનો ઇતિહાસ છોડી પ્રજાની ચડતીપડતીનો ઇતિહાસ ગ્રીનની માફક લખવા બેસી જાય તો જરૂર સાબિત કરે કે, જેમ હિંદુસ્તાનમાં નાજુક સુંવાળા લાગતાં કપડાં દાખલ થયાં તેમ પ્રજાનો બાંધો પણ નાજુક થતો ગયો ને પ્રજા નિર્માલ્ય થતી ગઈ. કાઠિયાવાડની છ ફૂટ ઊંચી રબારણને જાપાની મલમલ ‘ભાતીગળ’ સાડી કોઈ આપે તો એ પહેરે કે ? ને પહેરીને ઢોર ચારે ? આપણે ભીંત જ ભૂલ્યા છીએ. અંતરના શણગારને છોડી આપણે બહારના શણગાર ઉપર મોહ્યા, ને પરિણામે દેશ ખોયો, વેશ ખોયો, દેહ ગુમાવ્યો, ને આત્માને તો સુવાડી મૂક્યો.

કાઠિયાવાડના નવજવાનો વાતો છોડી વણતા થઈ જશે કે ? કાઠિયાવાડની ઓરતો શ્રીમતી વાસંતીદેવીની જેમ ખાદી લઈ વેચવા નીકળી પડશે કે ? કાઠિયાવાડની પ્રજા ઢેડભંગી ભાઈઓનો પોકાર સાંભળશે કે ? તેઓના સ્પર્શથી અભડાનારા જેલમાં જવાના નથી. તેઓ જેલ જવાને લાયક નથી.

નવજીવન, ૨૫–૧૨–૧૯૨૧