આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૪૫
દેશી રાજ્યો ને પ્રજા

પ્રજાના મુક્તિસંગ્રામમાં જુદાં જુદાં દેશી રાજ્યોની એકસામટી જાગૃતિ એ એક મહત્ત્વની બીના છે, કોઈ એક વ્યક્તિ કે મંડળ અથવા સંસ્થાની ઉશ્કેરણીથી આવડી જાગૃતિ થાય એમ માનવું પણ ભૂલભરેલું છે. સંભવ છે કે હરિપુરાની મહાસભાના ઠરાવે દેશી રાજ્યોની પ્રજાને કસોટીની સરાણ પર મૂકી દીધી, અને અગાઉ કદી ન થયેલું તેટલું ભાન તેમને થયું કે તેમની મુક્તિ તેમના પોતાના જ પુરુષાર્થ ઉપર નિર્ભર છે. પણ સૌથી વધુ તો કાળગતિએ કરીને જ આ જાગૃતિ રજવાડી પ્રજામાં આવી એમ કહેવાય. આ કાળગતિને રાજાઓ અને તેમના સલાહકારો ઓળખશે અને પ્રજાઓની ન્યાય આકાંક્ષાઓ પૂરી કરશે એવી આપણે આશા રાખીએ. કાં તો દેશી રાજ્યો સાવ નાશ પામે; અથવા તો રાજાઓ પોતાની પ્રજાઓને રાજ્યતંત્રને સારુ જવાબદાર બનાવીને પોતે પ્રજાના ટ્રસ્ટીઓ બને અને તેની રૂએે કામ બજાવીને મહેનતાણાની કમાઈ લે. આ બે સ્થિતિ સિવાય વચલો માર્ગ નથી.

તેથી હું આશા રાખું છું કે, પોતાની પ્રજાઓને જવાબદાર રાજ્યતંત્ર આપવાની રાજાની શક્તિની બાબતમાં અર્લ વિન્ટરટને તાજેતરમાં જાહેર કરેલી નીતિમાં બ્રિટિશ સરકાર રાજાઓની અગર તો તેમના દીવાનોની માગણીથી ફેરફાર કરવાની છે એવી ઊડેલી અફવા સાચી નહિ હોય. જો કોઈએ સાચે જ એવા ફેરફારની માગણી બ્રિટિશ સરકાર પાસે કરી