આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૩
દેશી રાજ્યો ને પ્રજા

પરત્વે કશી નૈતિક જવાબદારી આમાં ઊભી થાય છે કે નહિ ? નવી રાજ્યઘટના હેઠળ પ્રધાનોની તેમના ઉપર કશી જ સત્તા માનેલી નથી. ગવર્નર વાઈસરૉયનો અને વાઇસરૉય ચક્રવર્તી સત્તાનો પ્રતિનિધિ છે, અને છતાં સ્વાયત્ત પ્રાંતોના પ્રધાનોની તેમના પ્રાંતમાં આવેલાં દેશી રાજ્યોમાં જે કંઈ બને તે પરત્વે કશીએ નૈતિક જવાબદારી પણ નથી એમ કેમ કહી શકાય ? જ્યાં સુધી રજવાડાં અને તેમની પ્રજા સુખસંતોષથી રહેતાં હોય ત્યાં સુધી પ્રધાનોને કશી ફિકર કરવાપણું નથી. પણ ધારો કે તેમના પ્રાંતમાં આવેલાં દેશી રાજ્યોમાં એકાદ ભયાનક રોગચાળો ફાટી નીકળે, અને તેના પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવે તો જે પ્રાંતમાં સદરહુ રાજ્યો આવેલાં છે તે પ્રાંતમાં પણ તે ફેલાઈ જાય એવી ધાસ્તી હોય, તો તેવી સ્થિતિમાં પણ શું પ્રાંતના પ્રધાનોની કશી જવાબદારી નથી ઊભી થતી ? ધેનકનાલમાં જો નૈતિક દૃષ્ટિએ ભયાનક રાગચાળો ફાટી નીકળેલો દેખાતો હોય તો એ સ્થિતિમાં ઉત્કલના પ્રધાનમંડળ પર કશી નૈતિક ફરજ નથી આવી પડતી ?

મને મળેલી ખબર મુજબ, ત્રાસના ભોગ થયેલા વિપદ્‌ગ્રસ્ત લોકો બ્રિટિશ ઉત્કલની હદમાં આશરો લઈ રહ્યા છે. પ્રધાનોએ તેમને આશરો આપવા શું ના પાડવી ? જો રક્ષણ આપવું તો કેટલાને ? આપી શકે પણ કેટલાને ? દેશી રાજ્યોમાં જે કંઈ સારું માઠું બને તેનાં પરિણામ આખા પ્રાંતને અસર કરવાનાં જ. તેથી મને તો લાગે છે કે, પ્રધાનો પર પડેલી મોટી જવાબદારી જોતાં, તેમને કડક મર્યાદાઓ જાળવીને પ્રાંતમાંની સુલેહ અને આબરૂને ખાતર પણ વચ્ચે પડવાનો નૈતિક અધિકાર છે જ. ચક્રવર્તી સત્તાએ મનસ્વીપણે બનાવેલાં