આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૪૯
મહાસભા અને દેશી રાજ્યો

[મુંબઈના ‘ટાઈમ્સ ઑફ ઇંડિયા’ ના ખાસ ખબરપત્રીએ ગઈ તા. ૨૪ મીએ બારડોલી મુકામે ગાંધીજીની મુલાકાત લીધી, અને ‘હરિજન’ માં ગાંધીજીએ જયપુર રાજ્ય વિષે લખતાં, જમનાલાલજી ઉપરનો મનાઈહુકમ રાજવાળાઓ ખેંચી નહિ લે તો દેશવ્યાપી મામલો ઊભો થશે, એવી મતલબનું લખ્યું હતું તે વિષે પૂછતાં ગાંધીજીએ નીચે મુજબ ખુલાસો કર્યો હતો. — તંત્રી]

“જમનાલાલજી જયપુરનિવાસી છતાં અખિલ હિંદના આગેવાનોમાંના છે, મહાસભા કાર્યવાહક સમિતિના સભ્ય છે, અને સ્વભાવે જ શાંતિપ્રિય છે, એ વાતનો કોઈ પક્ષ ઇનકાર નહિ કરે. તેઓ જયપુર રાજ્ય પ્રજામંડળના પ્રમુખ છે. આ મંડળ રાજ્યમાં કેટલાંક વર્ષો થયાં કામ કરતું આવ્યું છે. તેને કશી અટકાયત કરવામાં આવી નથી. એની પ્રવૃત્તિઓ બધી ખુલ્લી છે. જાણીતા ઠરેલ કાર્યકર્તાઓ તેમાં છે, જેમણે સ્ત્રીપુરુષોમાં ઘણું રચનાત્મક કામ કર્યું છે. જયપુરમાં વડો સત્તાધીશ આજે એક જાણીતો રાજદ્વારી-લશ્કરી ગોરો હાકેમ છે, જે જમનાલાલજી તથા તેમના મંડળને અંગેના મનાઈહુકમને લગતી નીતિ ઘડી રહેલ છે. જયપુરના આ વડા પ્રધાન સર બ્યુચંપ સેંટ જૉન મધ્યવર્તી સરકાર, જેની સંમતિ વિના તે જયપુર જેવા રાજ્યના પ્રધાન ન થઈ શકે, તેની ચસમપોશી વિના હાલની કારવાઈ ન જ કરતા હોય.