આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૧
મારી કેફિયત

બહુ લાંબુ હોવાથી પ્રગટ કર્યું નથી, પણ જરૂર પડ્યે પ્રગટ થશે.

જેને મેં ગોઠવણપૂર્વકની સંગઠિત ગુંડાગીરી કહી છે તેને લગતી હકીકતો અપાઈ ચૂકી છે. રેસિડેન્ટને હું તેમાં સામેલ ગણું છું, કારણ એણે એજન્સી પોલીસ રાજકોટ રાજ્યને આપી છે, અને તેથી તેનાં માણસો ત્યાં જે કંઈ ચલાવી રહ્યાં છે તે બધા માટે તે જવાબદાર ગણાવો જોઈએ. તે જ પ્રમાણે જયપુરમાં જે કંઈ ચાલી રહ્યું છે તેને સારુ ત્યાંના અંગ્રેજ વડા પ્રધાન જવાબદાર છે. જયપુરમાં જમનાલાલજી જેટલી વાર વતનમાં દાખલ થવાનો પોતાનો કુદરતી હક બજાવવાની હિમ્મત કરે છે તેટલી વેળા એમને ફૂટબોલની માફક જે રીતે આમથી તેમ ધક્કે ચડાવી જયપુર બહાર કાઢવામાં આવે છે તેમાં લાજમરજાદ બધી છાપરે ફેંકવામાં આવી છે. આ બધી કારવાઈઓને હું યથાર્થ રૂપમાં રજૂ કરું તો તેમાં મેં હિંસામય ભાષા વાપરી એમ ન ગણાવું જોઈએ. જો કાઠિયાવાડ રેસિડેન્ટ પ્રત્યે અગર તો જયપુર વડા પ્રધાન પ્રત્યે મારા હૈયામાં દ્વેષભાવ હોય તો જ મેં હિંસાદોષ કર્યો ગણાય. સત્ય અને અહિંસાના પૂજારી તરીકે, બૂરાં કામ કરનારા પ્રત્યે દ્વેષભાવ ધર્યા વગર નિર્ભયપણે ઉઘાડું સત્ય રજૂ કરવું, એ મારું કામ છે. મારી અહિંસા કડવી ગોળીને પડ ચડાવવાનું જરૂરી નથી ગણતી.

તેથી મારાં તાજેતરનાં લખાણો ઉપરથી મારા પર કરવામાં આવેલા જાતિદ્વેષના આરોપનો મારે ઇનકાર કરવો રહ્યો છે. નગ્ન સત્યને છાવરવાથી અગર તો લેબાસ પહેરાવીને રજૂ કરવાથી લોકોને હિંસાના માર્ગથી હું ન જ વાળી શકું.