આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

સાહેબ જેવા કુશળ કાઠિયાવાડીને પણ બીજો જન્મારો વહોરવો પડશે; અને તે પણ સત્યાગ્રહી થઈને. સત્યાગ્રહીના શબ્દકોશમાં ‘પરાજય’ કે તેને લગતો શબ્દ હોતો જ નથી. એક સત્યાગ્રહી બીજા સત્યાગ્રહીને હરાવે એમ કહેવાય ખરું, પણ એ તો ‘હાર’ શબ્દ ઉપર આઘાત પહોંચાડનારો પ્રયોગ ગણાય. સત્યાગ્રહી પોતાની ભૂલ જુએ ત્યારે નમે ને નમતો છતો ચડે. એ કંઈ પરાજય ન ગણાય.

મારી સમક્ષ જેટલો ભાગ પટ્ટણી સાહેબે આ નિર્ણય વિષે લીધો તે બધો તેમને ને કાઠિયાવાડને શોભાવનારો છે, એવી મારી દૃઢ માન્યતા છે. પટ્ટણી સાહેબને દાવ રમવાપણું જ ન હતું. મારા અભિપ્રાયનાં જેટલાં કારણ હતાં તે બધાં મેં તેમાં ટાંક્યાં છે. તે સિવાય એક પણ મારા ધ્યાનમાં નથી.

કોઈની પણ શેહમાં આવી જઈ અથવા કોઈના પ્રેમને વશ થઈ હું સત્યનો પંથ છોડું ત્યારે હું નકામો થયો એમ જાણું છું. મને આપઘાત પ્રિય નથી, એટલે હું સત્યનો પંથ છોડવાની મૂર્ખાઈ એકાએક નહિ કરું.

સત્યાગ્રહનો વિષય અણીશુદ્ધ હોવો જોઈએ. જ્યારે પોરબંદરમાં ભાવનગર પરિષદ ભરવાની ભલામણ થઈ ત્યારે થોડો અથવા વધુ અવિનય તો થયો જ. ‘અવિનય’ એ થયેલા કાર્યને અંગે મેં હળવામાં હળવો શબ્દ વાપર્યો છે. સત્યાગ્રહનો અનિવાર્ય નિયમ તો છે જ કે સત્યાગ્રહીનો ‘કેસ’ દૂધ જેવો ઊજળો હોવો જોઈએ. દૂધમાં જેમ જરાયે મેલ દાખલ થાય તો તે ત્યાજ્ય ગણાય, તેમ યત્‌કિંચિત્‌ દોષવાળો કેસ પણ સત્યાગ્રહીને સારુ ત્યાજ્ય હોય. એટલે આકરા વિશેષણની મને જરૂર જ ન હતી.