આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

તેમને કોઈ રીતનો અન્યાય કર્યો છે એમ જો હું જોઈશ તો તેનું પ્રક્ષાલન કેમ કરવું એ હું જાણું છું. તેથી ઠાકોર સાહેબના સબંધમાં અગર તો આ કરુણ કાંડનાં બીજા પાત્રોના સંબંધમાં જો કોઈ કડવી ભાષા વાપરશે તો જે અસર ઉપજાવવાનો હેતુ ઉપવાસની પાછળ છે તે નિષ્ફળ થશે. પવિત્રપણે કરેલી પ્રતિજ્ઞા અથવા કરારના ભંગથી નીપજનારાં દુષ્પરિણામોની વિકરાળતાનો ચિતાર આપવા સારુ તીખી કે કડવી ભાષા જરૂરી નથી. જાહેર પ્રજા તેમ જ છાપાં જો ઊભી થયેલી પરિસ્થિતિમાં ઉપયોગી થવા માગતાં હોય, તો તે રાજકોટ ઠાકોર સાહેબની કારવાઈ પ્રત્યે ગરવો નિષેધ જાહેર કરીને જાગતા પ્રજામતના દબાણનું તેમને ભાન કરાવે.

તમામ સત્યાગ્રહ અને ઉપવાસ ત્યાગનાં જ જુદાં જુદાં સ્વરૂપ છે. સર્વ પ્રકારની કડવાશથી રહિત એવો નરવો પ્રજામત પ્રગટ થવા ઉપર એની અસરનો આધાર રહે છે. ઉપવાસને કારણે જોઈતું પરિણામ નિપજાવવાની વાતમાં કોઈ અધીરાઈ ન કરે. જેણે મને અનશન કરવા પ્રેર્યો છે તે જ મને તેમાંથી પાર ઊતરવાનું બળ આપશે. અને જો એની એવી ઇચ્છા હશે કે મેં સ્વેચ્છાએ અંગીકારેલું માનવજાતિની સેવાનું કાર્ય ચાલુ રાખવા ખાતર હજુયે થોડો સમય મારે આ દુનિયામાં જીવવું, તો ગમે તેટલા લાંબા ઉપવાસથી પણ દેહ પડશે નહિ. હરિજન-પ્રશ્ન પરના મારા યરવડાના ઉપવાસથી ઘણા લોકો પોતાની મરજી વિરુદ્ધ વર્તવા દોરાયા હતા, એ બીનાનું દુઃખદ ભાન મને છે. આ ઉપવાસના સબંધમાં એવું કશું નહિ થાય એવી મને ઉમેદ છે. જો કોઈ એવા આગેવાનો હોય જેઓ માનતા હોય કે રાજકોટ ઠાકોર સાહેબે