આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

અમુક રકમ લેવાનો હક પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે રાજાઓ રાજધર્મ પાળે તો રાજાપ્રજા વચ્ચે કડવાશ પેદા થાય જ નહિ.

સ્વરાજમાં રાજાથી માંડી પ્રજાનું એક પણ અંગ ન ખીલે એમ ન બનવું જોઈએ. તેમાં કોઈ કોઈના દુશ્મન ન હોય. બધા પોતપોતાનો ફાળો ભરે. કોઈ નિરક્ષર ન હોય. ઉત્તરોત્તર તેનું જ્ઞાન વધતું જાય. આવી પ્રજામાં રોગ ઓછામાં ઓછા હોય. કંગાલ કોઈ હોય નહિ. મહેનત કરનારને મહેનત મળતી હોય. તેમાં જુગાર, મદ્યપાન, વ્યભિચાર ન હોય; વર્ગવિગ્રહ ન હોય. ધનિક પોતાનું ધન વિવેકસર વાપરે, ભોગવિલાસ વધારવામાં કે અતિશય રાખવામાં નહિ. મૂઠીભર ધનિક મીનાકારીના મહેલમાં રહે અને હજારો કે લાખો લોકો હવા અજવાળું ન હોય એવાં અંધારિયાંમાં રહે, એમ ન હોય.

હિંદુમુસલમાન, સ્પૃસ્યાસ્પૃશ્ય, ઊંચનીચના ભેદ વિષે હું આગલી પત્રિકામાં લખી ગયો છું. ગરાસિયા ભાયાતના પ્રશ્ન વિષે બે શબ્દ લખવાની આવશ્યકતા રહે છે. એઓ પણ પ્રજાનું અંગ છે, એઓને પણ સ્વરાજવાદીએ અભયદાન આપવું ઘટે છે. કોઈના વાજબી હક ઉપર અહિંસક સ્વરાજમાં કોઈ તરાપ ન મારી શકે. એથી ઊલટું કોઈ ગેરવાજબી હક પણ ન ભોગવી શકે. જ્યાં તંત્ર વ્યવસ્થિત છે ત્યાં ગેરવાજબી હક કોઈથી ભોગવી શકાતા જ નથી. ગેરવાજબી હક ભોગવનારની સામે હિંસાનો ઉપયોગ કરવાપણું નથી રહેતું. ગરાસિયા ભાઈઓને મહાસભા તરફથી ધાસ્તી પેદા થઈ છે. જો તે પોતાના ગરાસ ટ્રસ્ટી તરીકે વાપરે અને ઉદ્યોગી બને કે રહે, તો તેઓને ડરવાનું કશું કારણ નથી રહેતું. મહાસભા