આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૬૭
હું હાર્યો

રાજકોટે મારી જુવાની હરી લીધી છે. ઘડપણ મેં કદી જાણ્યું નહોતું. આજે હું અપંગ અખમ છું એનું મને ભાન થયું છે. નિરાશા શી ચીજ છે એની મને કદી ઓળખ નહોતી. આજે રાજકોટમાં આશાની ટાઢી ઠારીને હું નીકળ્યો છું. મારી અહિંંસાની આવી કસોટી અગાઉ કદી થયેલી મેં નથી જાણી.

હિંદના વડા ન્યાયાધીશના ચુકાદા મુજબની સમિતિ નીમવાના પ્રયાસ પાછળ મેં કીમતી પંદર દિવસ ગાળ્યા. પણ એ સમિતિથી હું હજુ જેટલો ને તેટલો જ દૂર છું. મારા માર્ગોમાં ન કલ્પેલા અંતરાયો નડ્યા છે. આખા દેશે વડા ન્યાયાધીશના ચુકાદાને સરદારના સંપૂર્ણ વિજય તરીકે નવાજ્યો; પણ એ જ ચુકાદાને, મેં મુસ્લિમો તથા ભાયાતો પ્રત્યે કરેલા વિનયની રૂએ, મારા પર વચનભંગનો આરોપ મૂકવામાં સચોટપણે મારી વિરુદ્ધ વાપરવામાં આવ્યો છે ! ઠાકોર સાહેબે આપેલું વચન હું દિલ્લીથી પાછો ફર્યો ત્યારથી મારે માથે ઢોળવામાં આવ્યું છે. મેં મુસ્લિમો તથા ભાયાતો જોડે કરેલા વિનયનો સ્પષ્ટ અને સરળ અર્થ એટલો જ હતો કે ઠાકોર સાહેબે આપેલું વચન પૂરું કરાવવામાં તેમને મદદ કરવા હું તૈયાર હતો. જોકે ચુકાદા પછી તેવી મદદ કરવાનું