આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૧
એની સમજણ

મારા વિચારોમાં પણ કશો ફેરફાર નથી થયો. વળી જે ચક્રવર્તી સત્તાએ આટલા કાળ લગી દેશી રાજ્યોની પ્રજાઓ પ્રત્યેની પોતાની ફરજને બૂરી રીતે અવગણી છે તેણે તે ફરજ આજે બજાવવી અતિ જરૂરી છે, એ મારા અભિપ્રાયમાં પણ કશો ફેર પડ્યો નથી. મારો પશ્ચાત્તાપ મારી એક જ ભૂલ અંગે હતો, અને તે એ કે જે ઈશ્વરને નામે રાજકોટમાં મેં અનશન લીધું તેને ચરણે ચિત્ત ચોટેલું રાખવાનું છોડી મેં અંતરમાં અવિશ્વાસ આણ્યો અને વાઈસરૉયને વચમાં પડવા બોલાવીને પ્રભુના કાર્યની પૂરણી કરવા પ્રયાસ કર્યો! ઈશ્વર ઉપર આધાર રાખવાને બદલે વાઈસરૉયનો આધાર શોધ્યો અગર કહો કે ઠાકોર સાહેબને ઠેકાણે આણવાના કામમાં વાઇસરૉયને ઈશ્વરની મદદે બોલાવવાનો મેં પ્રયત્ન કર્યો, એ નરી હિંસા હતી. આવી હિંસાને મારા અનશનમાં ક્યાંયે મુદ્દલ સ્થાન હોઈ શકે નહિ.

રાજકોટ પ્રકરણે મારી જિંદગીમાં જે નવું સત્યદર્શન ઉમેર્યું. તે એ કે, છેક ૧૯૨૦ ની સાલથી માંડીને પ્રજાકીય આંદોલનને અંગે જે અહિંસાનો આપણે દાવો કર્યો છે તે અદ્‌ભુત છતાં નિર્ભેળ નહોતી એ વાત મને જડી. આથી જે પરિણામો અત્યાર સુધીમાં નીપજ્યાં તે જોકે અસાધારણ કહેવાય, છતાં આપણી અહિંસા અણીશુદ્ધ હોય તો ઘણાં વધુ કીમતી નીવડ્યાં હોત. મનવાણી થકી સંપૂર્ણ અહિંસાપૂર્વકની અહિંસક લડત વિરોધીમાં સ્થાયી અહિંસાવૃત્તિ કદી ન જ નિપજાવે. પણ મેં જોયું કે દેશી રાજ્યોની લડતે રાજાઓ તેમ જ તેમના સલાહકારોમાં હિંસાવૃત્તિ પ્રગટાવી છે. મહાસભા પ્રત્યેના અણવિશ્વાસથી આજે તેમનાં અંતર છલોછલ