આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૭
ધામીનો પાઠ

સુધ્ધાં ઇન્કાર થયાની સાચેસાચી હકીકતો પ્રગટ થાય તો કાર્યનું સક્રિય પગલું ભરવાને સારુ તે અવશ્ય પાયારૂપ થઈ પડશે.

આ તો મેં કાર્યની દિશાનું સૂચન માત્ર કર્યું છે. સ્થાયી સમિતિ અલબત્ત પોતાની નીતિ અને વખતોવખત ઊભા થનારા પ્રશ્નોને ઉકેલવાની કાર્યવાહી નક્કી કરશે જ. મારે આ લખવાનો હેતુ એ છે કે દેશી રાજ્યોના કાર્યકરોને મારી પાસે આવવા સામે અને મારા તરફથી દોરવણીની અપેક્ષા રાખવા સામે હું ચેતવું. તેમણે સ્થાયી સમિતિ પાસે જવું જોઈએ. હું કાર્યવાહક સમિતિની કક્ષામાં આવતી સામાન્ય કાર્યરીતિઓ વિષે મહાસભાવાદીઓને સુધ્ધાં દોરતો નથી, પણ કાર્યવાહક સમિતિ જ્યારે સલાહ લેવા ઇચ્છે ત્યારે આપવા માત્ર તૈયાર રહું છું. તે પ્રમાણે જ હું હવે પછી નવા ઊભા થતા દેશી રાજ્યોના પ્રશ્નો વિષે વર્તવા ધારું છું. જેમની સાથે હું અત્યાર અગાઉ સીધી નિસ્બતમાં આવી ચૂકયો છું તેમને દોરવાનું અલબત્ત હું ન જ છોડી દઉં. એ કહેવાની તો ભાગ્યે જ જરૂર હોય કે દેશી રાજ્યોમાંની પ્રજાકીય ચળવળોના સામાન્ય સંચાલનમાં પડ્યા વિના મારી ખાસિયતને કારણે મારાથી જે કંઈ થઈ શકે એવું હશે તે તો હું કર્યે જ જવાનો. દેશી રાજ્યોના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે સ્થાયી સમિતિને અગાઉથી પૂછ્યા વગર અગર તો તેની મંજૂરી વગર તેઓ રાજ્યોમાં કશી આગેકદમ ચળવળ ન ઉપાડે. પ્રજા પરિષદની મારફત કામ કરતી મહાસભાનો એ ધર્મ છે કે જરા પણ શકય હોય ત્યાં સુધી રાજ્યો જોડે કજિયામાં ઊતરવાનું ટાળે.

સેવાગ્રામ, ૩૦-૭–૩૯
હરિજનબંધુ, ૬-૮–૧૯૩૯