આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૮૦
લીંબડી વિષે

લીંબડીના લોકો જોડે મારે લાંબો પત્રવહેવાર ચાલ્યા કર્યો છે, પણ તેમના ઉપર જે વીતી રહેલ છે તે વિષે ઘણા વખતથી કશું પણ કહેવાનું મેં ટાળ્યું છે. મારા મનમાં એવી આશા હતી કે જેઓ રાજા તેમ જ પ્રજા વચ્ચે સુલેહ કરાવવા મથી રહ્યા હતા તેમના પ્રયત્નને યશ મળશે. પણ એ આશા ઠગારી નીવડી.

લીંબડીની લડતના આરંભના બનાવો પછી ઘણું બની ગયું છે. જે ચોકસાઈ અને આગ્રહ સાથે લીંબડીમાં જુલમનીતિ ચલાવવામાં આવી છે તેવી કદાચ બીજે ક્યાંય નથી ચાલી. મારી પાસે આવેલી હકીકતો સાચી હોય — અને તે તેવી ન હોવાનું માનવાને મને કશું જ કારણ નથી — તો ખેડૂતોને તેમનાં ઘરબારથી શિકારનાં પ્રાણીઓની જેમ રંજાડવા અને તગડવામાં આવ્યા છે. આકરામાં આકરો તાશેરો તો પેલા દ્વેષનું પાત્ર થઈ પડેલા વાણિયાવર્ગ ઉપર વરસ્યો છે જે એક કાળે રાજ્યનો મિત્ર, લાડીલો અને આધારસ્તંભ હતો. પણ તેણે જવાબદાર રાજ્યતત્રનાં વિચાર અને વાત કરવાનું સાહસ કર્યું. ખેડૂતોમાં જઈને તેમને તેમના હકદાવાનું ભાન કરાવવાની અને તે કઈ રીતે મેળવવા તેના માર્ગ બતાવવાની તેણે હિંમત કરી. આ હિજરતી વેપારીઓની દુકાનો તેમ જ ઘરબાર સાચું