આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૮૨
રાજકોટના સુધારા

રાજકોટના ના. ઠાકોર સાહેબને તથા દરબારશ્રી વીરાવાળાને અજાણ્યે પણ એક વાર દૂભવ્યા પછી એ રાજ્યમાં દરબારની કારવાઈઓની ટીકારૂપે કશું કહેતાં મેં મારી કલમને આજ લગી રોકી છે. પણ રાજકોટની પ્રજા જેણે દાખલારૂપ શિસ્તનું પાલન કર્યું છે તેના પ્રત્યેની મારી ફરજ વિચારતાં, તાજેતરમાં રાજ્ય તરફથી જાહેર કરવામાં આવેલા સુધારાઓ વિષે બે શબ્દ લખવાનો મારો ધર્મ થઈ પડ્યો છે. મારો અભિપ્રાય મારે જણાવવો એવી પ્રજાજનો આશા પણ રાખે છે.

મારે દુઃખની સાથે કહેવું પડે છે કે આ સુધારાઓ મરહૂમ ઠાકોર સાહેબનું કર્યુંકારવ્યું ધૂળ મેળવે છે. મરહૂમ ઠાકોર સાહેબે આપેલો પૂર્ણ મતાધિકાર જે છેલ્લાં ૧૫ વર્ષથી પ્રજાને આશીર્વાદ સમાન હતો તે ખેંચી લેવામાં આવ્યો છે, અને તેને બદલે મતાધિકારને સારુ મિલકત ધરાવવાની તથા રાજ્યના વતની હોવા વિષેની કડક શરતો મૂકવામાં આવી છે. ચૂંટાયેલા પ્રમુખની જગાએ દીવાનને સ્થાયી પ્રમુખ બનાવ્યા છે. મૂળ પ્રજાપ્રતિનિધિ સભા જે આખી ચૂંટાયેલા પ્રતિનિધિઓની રહેતી તેમાં હવે ૪૦ ચૂંટાયેલા અને ૨૦ નીમેલા સભ્યો રહેશે. ચૂંટાયેલા સભ્યોમાં વળી લઘુમતીઓના