આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૯૨
હૈદરાબાદ

“નિઝામ રાજ્ય પાસેથી અંગ્રેજોએ એક કે બીજે બહાને વરાડ, દત્તમંડળ, કર્ણાટક વગેરે પ્રદેશો પડાવી લીધા છે તેને અંગેના નિઝામ સરકારના હક વિષે આપ શું કહો છો?”

આ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ. જેટલે અંશે આ પ્રદેશો અંગ્રેજોએ પડાવી લીધા હોય તેટલે અંશે તે અંગ્રેજો પાસેથી મેળવવાનો હક પ્રાપ્ત થાય છે એમાં શક નથી. ન્યાયની વાત કઈ કહેવાય એમ મને પૂછવામાં આવે તો હું એટલું જ કહું કે તે તે પ્રદેશની પ્રજાને પસંદગી કરવા કહેવું જોઈએ. હું તો એ જ એક ન્યાય જાણું છું.

પણ મારું કહેવું એમ છે કે આ જાતની બધી ચર્ચા કેવળ તાત્ત્વિક ગણાય. ભૂગોલદૃષ્ટિએ એક અખંડ એકમ તરીકે હિંદ જો પોતાનું સ્વાતંત્ર્ય મેળવશે — અને કોક દિવસ તો મેળવશે જ — તો એનો અર્થ એ થશે કે એનું એકેએક અંગ સ્વતંત્ર થશે. વળી એ સ્વતંત્રતા જો અહિંંસાને માર્ગે મેળવી હશે તો એ બધાં અંગો સ્વેચ્છાએ એકબીજાના આધાર લઈને રહેતાં હશે, અને એક મધ્યવર્તી પ્રતિનિધિ સત્તા હેઠળ પૂરી એકસંપીથી પોતપોતાના કારોબાર ચલાવતાં હશે. મધ્યવર્તી સત્તા પણ એવાં અંગોના તેના પ્રત્યેના વિશ્વાસમાંથી પોતાનું સત્તાબળ મેળવતી હશે. એથી ઊલટું જો હિંદે પોતાની આઝાદી શસ્ત્રબળથી મેળવી હશે તો પછી જે સૌથી બળવાન