આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





પ્રકાશકનું નિવેદન

દેશી રાજ્યોના પ્રશ્ન વિષેનાં ગાંધીજીનાં જે લખાણો ને ભાષણો ‘નવજીવન’ તથા ‘હરિજનબંધુ’માં પ્રસિદ્ધ થયેલાં તેમાંથી મહત્ત્વનાં પસંદ કરીને તેનો સંગ્રહ આ પુસ્તકમાં કરવામાં આવેલો છે. જે લખાણો ને ભાષણો ગુજરાત કાઠિયાવાડનાં દેશી રાજ્યોને લગતાં હતાં તે બધાં લેવામાં આવ્યાં છે, અને ઈતર લખાણોમાંથી જેમાં રાજા પ્રજા વચ્ચેનો સંબંધ, રાજા તેમ જ પ્રજા ઉભયનાં કર્તવ્યો, ચક્રવર્તી સત્તાની ફરજ, વગેરે સર્વસામાન્ય વિષયોની ચર્ચા હતી તેટલાં જ લેવામાં આવ્યાં છે. આ જ વિષય પરનો ગાંધીજીનો અંગ્રેજી લેખસંગ્રહ થોડા વખત પર નવજીવન પ્રકાશન મંદિરે પ્રસિદ્ધ કર્યો છે તેમાં એ સર્વ લેખો, તેમ જ આ પ્રશ્નને લગતા મહત્ત્વના સર્વ દસ્તાવેજો વગેરે પણ આપવામાં આવ્યા છે. એ બધું ગુજરાતી પુસ્તકમાં આપવાની જરૂર ન હતી, છતાં આ ગુજરાતી સંગ્રહમાં કેટલાક લેખો એવા છે જે સ્વતંત્રપણે ગુજરાતીમાં લખાયેલા હોઈ અંગ્રેજીમાં નથી. લેખો ઐતિહાસિક ક્રમે ગોઠવેલા છે તેમાં ઉદ્દેશ એ રહેલો છે કે આ પ્રશ્નને અંગે ગાંધીજીના વિચારો કયે વખતે કેવા હતા, ને તેમાં પરિવર્તન થયું તે કેવા ક્રમે થવા પામ્યું, અને રાજસ્થાની પ્રજાની હિલચાલની દોરવણી જેટલે અંશે તેમને હાથે થઈ તેટલે અંશે એ હિલચાલનો વિકાસ કેવી રીતે થયો, એનો પણ ખ્યાલ વાચકને આપોઆપ મળી રહે. આ