આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લેખોમાં ઘણું એવું છે જે વરસો ઉપર કહેવાયું છતાં આજની સ્થિતિને પણ તેટલું જ લાગુ પડે છે. અને દેશી રાજ્યોની પ્રજાની સ્વતંત્રતાની હિલચાલ – જે સમગ્ર ભારતની સ્વતંત્રતાની હિલચાલનો જ એક અંશ છે—હજુ સમાપ્ત થઈ નથી ને આજે કદાચ તેમાં વિરામ આવેલો દેખાતો હોય તોપણ તે આગળને માટેની તૈયારીનો જ કાળ છે. એ તૈયારી કેવી રીતે કરાય એનું વિવેચન પણ ગાંધીજીનાં પાછળનાં લખાણોમાં અનેક વાર કરેલું માલૂમ પડશે. એ અર્થમાં આ પુસ્તક દેશી રાજ્યોની પ્રજા ને તેના સેવકોને માટે માર્ગદર્શિકારૂપ થઈ પડશે, અને તેઓ પોતાને મુકામે પહોંચશે ત્યાં લગી તેમનો પંથ ઉજાળશે.

‘હરિજનબંધુ’નું પ્રકાશન મોકૂફ રહ્યું અને ગાંધીજી તરફથી દર અઠવાડિયે થતું માર્ગદર્શન બંધ પડ્યું ત્યારથી તેમનાં લખાણોના સંગ્રહની માગણી વધી છે, ને એ સ્વાભાવિક છે. તેથી અમને જણાવતાં આનંદ થાય છે કે બીજા અનેક વિષયો પરના તેમના લેખસંગ્રહો તૈયાર થઈ રહ્યા છે, ને તે ક્રમે ક્રમે પ્રસિદ્ધ કરવામાં આવશે.

તા. ૨૦–૧૧–’૪૧