આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

અહિંસા તેને ઓળખવાનું સાધન છે. એ સત્યને વશ રહી મેં કેવળ અહિંસક એટલે પ્રેમભાવે ટીકા કરી છે; તે રાજામહારાજાઓ તેવે ભાવે સમજો ને સ્વીકારો એવી મારી તેઓ પ્રત્યે વિનંતિ છે.

રામરાજ્ય

દેશી રાજ્યની કલ્પના રામરાજ્યની છે. રામે એક ધોબીની ટીકાથી પ્રજાને સંતોષવા પ્રાણસમ પ્રિય, જગદ્‌વંદ્ય, સતીશિરોમણિ, સાક્ષાત કરુણાની મૂર્તિરૂપ સીતાજીનો ત્યાગ કર્યો. રામે કૂતરાને પણ ન્યાય આપ્યો. રામે સત્યના પાલનને અર્થે રાજ્યનો ત્યાગ કરી, વનવાસ ભોગવી, પૃથ્વીના રાજામાત્રને ઉચ્ચ કોટિના સદાચારનો પદાર્થપાઠ આપ્યો. રામે અખંડ એકપત્નીવ્રત પાળી રાજા પ્રજા સૌને ગૃહસ્થાશ્રમમાં સંયમ કેમ પળાય એનું દર્શન કરાવ્યું, રામે રાજ્યાસનને શોભાવી રાજ્યપદ્ધતિને લોકપ્રિય કરી, અને રામરાજ્ય એ સ્વરાજની પરિસીમા છે એમ સિદ્ધ કરી આપ્યું. રામને આજકાલનાં લોકમત જાણવાનાં અતિ અધૂરાં સાધનોની જરૂર ન હતી કારણકે તે પ્રજાના હૃદયના સ્વામી થયા હતા. રામ પ્રજામતને સાનમાં સમજતા. પ્રજા રામરાજ્યમાં આનંદસાગરમાં ડૂબતી હતી.

એવું રામરાજ્ય આજ પણ સંભવે છે. રામના વંશનો લોપ નથી થયો. આધુનિક યુગમાં પ્રથમના ખલીફાઓએ પણ રામરાજ્ય સ્થાપ્યાં હતાં એમ કહી શકાય. હજરત અબુબકર અને હજરત ઉમર કરોડોનું મહેસૂલ ઉઘરાવતા છતાં પોતે ફકીર હતા. જાહેર ખજાનામાંથી એક કોડી સરખી ન લેતા, પ્રજાને ન્યાય મળે છે કે નહિ એ જોવા નિરંતર જાગૃત