આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
કાઠિયાવાડ રાજકીય પરિષદ

વાસીઓને કહું છું કે હિંદુધર્મ આજે ત્રાજવામાં છે, અને જગતના બધા ધર્મો સાથે આજે તેની તુલના થઈ રહેલી છે, અને જે વસ્તુ અક્કલની બહાર હશે, દયાધર્મની બહાર હશે તે વસ્તુનો હિંંદુધર્મમાં સમાવેશ હશે તો તેનો ખચીત નાશ જ થવાનો છે. દયાધર્મનું મને ભાન છે, અને એ ભાનને લીધે હું જોઈ રહ્યો છું કે હિંદુધર્મ નીચે કેટલું પાખંડ, કેટલું અજ્ઞાન ચાલી રહ્યું છે. એ પાખંડ અને અજ્ઞાનની સામે હું જરૂર પડ્યે એકલો ઝૂઝીશ, એકલો રહીને તપશ્ચર્યા કરીશ, અને એનું જ રટન કરતો મરીશ. કદાચ એવું બને કે હું ગાંડો થઈ જાઉં, અને ગાંડપણમાં હું કહું કે મેં મારા અસ્પૃશ્યતા વિષેના વિચારોમાં ભૂલ કરી હતી, અને હું કહું કે અસ્પૃશ્યતાને હિંદુધર્મનું પાપ જણાવવામાં મેં પાપ કરેલું હતું. તે દિવસે તમે માનજો કે હું ડરી ગયો છું, હું ઝીક ઝીલી નથી શકતો, અને અકળાઈને જ હું મારા વિચારો પાછા ખેંચી લઈ રહ્યો છું. તમે તે વેળા એમ જ માનજો કે હું મૂર્છિત દશામાં એવી વાત કરી રહ્યો છું.

હું આજે જે વાત કરી રહ્યો છું તેમાં મારો સ્વાર્થ નથી, તેમાંથી મને પદવી નથી જોઈતી. પદવી તો મને ભંગીની જોઈએ છે. સફાઈ કરવાનું કામ એ કેવું પુણ્યકાર્ય છે! એ કામ કાં તો બ્રાહ્મણ કરી શકે, કાં તો ભંગી કરી શકે. બ્રાહ્મણ એ જ્ઞાનપૂર્વક કરે, અને ભંગી અજ્ઞાનપૂર્વક કરે. મને બંને પૂજ્ય છે, આદરણીય છે. એમાંથી એકેનો લોપ થાય તો હિંદુધર્મનો લોપ થવાનો છે.

અને સેવાધર્મ મને પ્રિય છે એટલો જ અને ભંગી પ્રિય છે. હું તો ભંગીની સાથે ખાઉં છું પણ ખરો, પણ તમને નથી કહેતો કે તમે પણ તેની સાથે ખાઓ, રોટીબેટીવ્યવહાર કરો.