આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તેમણે તરત જ નક્કી કરી નાખ્યું. તેને માટે ઇંગ્લેન્ડમાં જે કાંઇ પત્રવ્યવહાર કરવો જરૃરનો હતો તે કર્યો, બીજી તરફ તેમના સિદ્ધાંત પ્રમાણે શાંતિ ઇંગ્લેન્ડ જવા ઊપડે તે પહેલાં તેને પરણાવવાની તજવીજ કરવા માંડી. સુરત નજીકના એક ગામમાં એક સંસ્કારી કુટુંબની, તે જમાનામાં મળી શકે તેટલી મોટી ઉંમરની કન્યા નામે માલતી સાથે તેમણે શાંતિનાં લગ્ન પણ કરી નાખ્યાં. શાંતિને ઇંગ્લેન્ડ મોકલતા પહેલાં, પરમાણંદદાસના સિદ્ધાંતમાં એવું આવતું હશે તે, તેમણે પુત્રને અને પુત્રવધૂને પાસે બોલાવ્યાં.

અને હજી માલતીએ ઊંચું મોં કરી શાંતિને જોયો ય નહિ હોય અને તેની સાથે વાતેય નહિ કરી હોય તે પહેલાં, પુત્રની સામે જોઇને પણ બંનેને ઉદ્દેશીને કહ્યું : 'શાંતિ ઇંગ્લેન્ડ જાય પછી તમે બંને એકબીજાને કાગળો લખજો. મેં જમિયતરામભાઇને વાત કરી છે.' પુત્રની ડાયરીમાં માલતીના પિતા જમિયતરામનું સરનામું લખાવ્યું અને માલતી પાસે ડાયરી નહોતી એટલે કોદર પાસે મંગાવીને શાંતિ પાસે તેમાં ઇંગ્લેન્ડનું તેનું સરનામું લખાવીને તે ડાયરી માલતીને આપી. પુત્રને ઇંગ્લેન્ડ વિદાય કર્યો, પુત્રવધૂને પિયર મોકલી અને પોતે 'મજબૂત મનના રહેવું જોઇએ', 'નકામી હૃદયની નરમાશ શી બતાવવી' કરી, પુત્રને વળાવવા મુંબઇ સુધી પણ ન ગયા.

શાંતિએ ઇંગ્લેન્ડ જઇ માલતી સાથે પુષ્કળ પત્રવ્યવહાર કર્યો; પણ તેમાં ક્યાંય સંવનન કે પ્રેમની વાત આવતી નહોતી. તેનામાં પિતાનો વારસો ઊતર્યો હતો એમ કહો, કે પિતાના સ્વભાવની તેના મન ઉપર એવી અસર થઇ હતી એમ કહો, તેને બોલ્યા વિના એકલાં ઊંડો વિચાર કરવાની ટેવ પડી હતી. તે પોતાની ઊંડી લાગણી શબ્દોમાં મૂકતાં કે બીજી રીતે બતાવતાં શરમાતો. લાગણી જેમ તેના હૃદયની