ઉપર મુજબ વીજાપુરના વાણીઆની કહેલી વાત સાંભળી ઘાશીરામ,
સમશેરખાન તથા તરવારખાન એવા અક્કલવાળા હતા ત્યારે વીજાપુરની
બાદશાહી કેમ બુડાવી દીધી? એમ બોલ્યા. વળી કેહે કે, અમારા શેહેરમાં
આવી ચોરી થઇ હોય તો ચોરને પકડતાં બે ચાર પોહોર તે શાના લાગે?
અમે તો સઘળાને એક કોટડીમાં ગડબી ઘાલીએ, ને તેમાંથી ચાર પાંચ
જણને લોઢાનો તવો ગરમ લાલચોળ કરી તે ઉપર ઉભા કરીએ, એટલે
ચોર કોણ છે તે તરત માલુમ પડે. આ ભાષણ સાંભળીને ઘાશીરામની
ખુશામત કરનાર લોકોની મંડળીએ તેને સાબાશી આપી, ને વીજાપુરના
વાણીઆની ફજેતી કરવા માંડી તેથી તે બિચારો ત્યાંથી ઉઠી ગયો.
ઘાશીરામને લલિતાગૌરી નામે એક સુંદર કન્યા હતી. તેની સાદી કાનપુરના એક જમીનદારના છોકરા ભાનુપ્રસાદ સાથે કરી હતી. તે છોકરી સોળ વર્ષની થયા પછી સ્ત્રીના વેશમાં આવી. તે વખત ભાનુપ્રસાદને હિંદુસ્થાનથી બોલાવી પુનામાં ઘરજમાઇ કરીને રાખ્યો. તેની ઉમર ચાળીસ વર્ષ ઉપરાંત હતી. તે ડોળે, રંગે અને ઢંગે બાયલાના જેવો હતો તેથી લોકો તેની મશ્કરી કરતા હતા. આ વાત ઘાશીરામના જાણવામાં આવ્યાથી તેણે નિશ્ચય કર્યો કે છોકરીને સંતાન થવાની બને તેટલી કોશીશ કરવી. પછી જોષિયાને બોલાવી પોતાની છોકરીની જન્મોત્રી દેખાડી. તેઓએ કહ્યું કે લલિતાગૌરીના સંતાનભુવનમાં રાહુ આવી બેઠો છે. તે ગ્રહ ચળ્યા પછી તેને છોકરું થશે. તે ચળિત થવા સારુ રાહુના જપ કરાવો, તથા તે ગ્રહનું દાન બ્રાહ્મણને આપો. તે ઉપરથી ઘાશીરામે માટો ખર્ચ કરી બ્રાહ્મણો પાસે જપ કરાવ્યા તથા દાન પણ આપ્યું. ઘાશીરામ તથા તેની બાયડી પાસે ગામની બાયડીઓ આવતી હતી તેમાં કોઈ નાનાની પેઠમાં તાબુતના ઘોડાને સવામણ રેવડી ચહડાવવાનું, કોઈ ગાર પીરને ચાદર ચહડાવવાનું, કોઇ શઠવાઇને રમકડાં તથા પાળણાં ચહડાવવાનું, કોઈ મેાહોરમમાં પાંચ વર્ષ સુધી છોકરો થાય તેને ફકીરી લેવરાવવાનું, કોઈ પંચમુખી હનુમાનને દર શનિવારે તેલ ચહડાવવાનું, કોઈ બાપદેવને સીંદુર ચહડાવવાનું, કોઈ જેજુરીના ખંડોબાને છોકરું ચહડાવવાનું કેહેતી હતી. વળી કોઇ પીપળાના ઝાડ નીચે બે ઘડી રાત્રે નાગા નાવાની તથા તુળસીની એક લાખ પ્રદક્ષણા કરવાની; વગેરે નાનાપ્રકાર કરવાની વાતો બતાવતી હતી. તે પ્રમાણે માબાપોએ છોકરી પાસે કરાવ્યું. અનેક ફકીર તથા બાવા