આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતાની જાતની છેતરપિંડી પણ હવે ન ઘટે."

"એટલે તારે શું કહેવું છે?"

"કહેવી છે એક જ વાત - કે મુક્ત મનથી આપેલો કોલ પણ લગ્નની ગાંઠ જેટલો જ બંધનરૂપ છે."

"પણ તું શું -"

"હું માગું છું, દાક્તર, કે મને મુક્ત કરોઃ મારો છુટકારો કરો!"

"જલદેવી! જલદેવી!"

"હા, છુટકારો માગું છું. ને કહી રાખું છું કે સરવાળે તો આપણાં બન્નેનાં જે રીતે જોડાણ થયાં છે તેને પરિણામે એ જ સ્થિતિ આવીને ઊભી જ રહેવાની."

પોતાની વેદનાને દબાવવા મથતા દાક્તરથી એટલું જ બોલાયું: "આખરે શું આ સ્થિતિ આવી પહોંચી, દેવી! હું તને ન જીતી શક્યો. પૂરેપૂરી ન જ પામી શક્યો."

"ઓ દાક્તર! તમને ચાહવાનું જો મારાથી બની શક્યું હોત, તો કેટલી આનંદ-ભેર હું તમને ચાહત! પણ હું બરાબર જાણું છું: એ કદી જ નહિ બની શકે."

"ત્યારે શું તું છૂટાછેડા માગે છે? કાયદેસરનો સંપૂર્ણ છૂટકારો?"

"તમે મને હજુયે ન ઓળખી ન શક્યા, દાક્તર! એ કાયદાની વિધિઓની મને જરીકે પરવા નથી. એ બધી ઉપલક બાબતોની શી જરૂર છે? હું તો એટલું જ માગું છું કે આપણે એકબીજાંને મુક્ત મનથી અરસપરસ છૂટા કરવાં."

"અને પછી? આપણાં બન્નેનાં જીવનની શી ગતિ થશે તેનો તેં વિચાર કર્યો છે, દેવી?" દાક્તરે પોતાના બંને હાથમાં પોતાના માથાના વાળ જકડી લીધા.

"એની કશી ફિકર નથી. ગમે તે થાઓ. ફક્ત એક વાર મને મુક્ત કરો: મારી સ્વતંત્રતા મને પાછી આપો - આજે ને આજે જ આપો. આજે એ આવશે, અને મારે એની સામે પરિપૂર્ણ મુક્ત માનવી તરીકે ઊભાં રહેવું