આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુનર્મિલન : ૩૧
 

વિચાર કરતી રમા અનેકાનેક કલ્પના કરી રહી હતી.

'મને ઓળખશે ? ઓળખશે તો બોલાવશે ખરા ? બોલાવશે તો મારાથી જવાબ અપાશે?...હું અહીં આવી જ શા માટે ?... પાછી જાઉં તો ?... વિદ્યાર્થીઓ અને ડૉક્ટરો મારા કરતાં ઓછી સારવાર કરશે?...મેં ક્યાં આવવાની હા પાડી ?...' એકાએક ગાડી અટકી અને રમાને લાગ્યું કે તેનું હૃદય પણ અટકી ગયું.

'ઘર આવી ગયું.' વિદ્યાર્થી બોલ્યો.

'કોનું ઘર?... પતિના ઘરમાં રમાને હક છે?' વગર બોલ્યે તે નીચે ઊતરી. ઘરમાં પેસતાં જ તેનું બંધ પડી ગયેલું હૃદય જોરથી ધડકવા માંડ્યું. હવે પાછા ફરાય એમ હતું જ નહિ. તેણે વિદ્યાર્થીને બહુ જ ધીમેથી સંકોચ સહ પૂછ્યું.

'અત્યારે જાગતા તો નહિ હોય !'

'ના રે ! તદ્દન બેભાનીમાં છે.'

પતિ ઓળખશે નહિ, તેની સાથે બેસવું પડશે નહિ. એ વિચારે રમાના મનમાં સહજ હિંમત આવી. બહારના ખંડમાં એકબે શિક્ષકો અને સંખ્યાબંધ શિષ્યો તદ્દન શાંત બની બેસી રહ્યા હતા.

રમાને સ્ટેશને લેવા આવેલ શિષ્ય તેને અંદર લઈ ગયો. ઝાંખો દીવો બળતો હતા. એક ખાટલા ઉપર એક આકૃતિ લાંબી પડેલી હતી. રમા તેને ઓળખી શકી નહિ.

'આવી ગયાં? બહુ સારું થયું. તમારી સારવાર વગર ચાલે એમ હતું જ નહિ.' ડોકટર એક સ્થળેથી બોલી ઊઠ્યા.

થરથરતા પગે રમા ખાટલા પાસે ગઈ. તે કોની પાસે જતી હતી? ડોકટરને ખબર હતી કે વિનોદરાયને તેની પત્ની વગર પંદર વર્ષ સુધી ચાલ્યું હતું !

'જુઓ, ગભરાશો નહિ. યોગ્ય સારવાર હશે તો આરામ થયો જ સમજો. એકલાં છો એમ માનશો નહિ. ગમે ત્યારે મને બોલાવશો એટલે હું હાજર થઈશ.' ડૉક્ટરે અત્યારે જીભમાં મીઠાશ આણી