આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૫૦

હાથ જામતો ગયો. સત્તર વરસનો પહેલવાન થયો. સવા હાથની છાતી ખેંચાણી. ખભા ઢાલ જેટલા પહોળા થયા. એક આંખમાં ઝેર ને બીજી આંખમાં અમૃત નીતરવા માંડ્યું;

કોઈ કોઈ વાર લાખો નાના છોકરાની જેમ છાતીફાટ રુદન કરતો. ખૂબ રોતો. કારણ કોઈ પૂછી શકતું નહિ. ભાણેજ જઈને માતાને પૂછતો. માતા જવાબ દેતી: “બાપ. મામાને દીકરો નથી માટે રોવું આવે છે !”

એક દિવસ તલવાર ખેંચીને રાખાઈશ ઊભો રહ્યો; માતાને પૂછ્યું : “ બોલો માડી, મારો બાપ કોણ ? જગતમાં સહુને બાપ – એક મારે જ નહિ ? 'બાપુ' એવો શબ્દ આજ સુધી મારે કાને ન પડવા દીધો ? બોલો, નહિ તો તલવાર પેટે નાખીને મરું છું.”

“બાપ, તારા પિતા તો તું પેટમાં હતો ત્યારે પાછા થયા.”

“બેાલો, એને કોણે માર્યા ? મારી એક આંખમાં ઝેર કાં ઝરે ?”

“એને મામાએ માર્યા – તારા અન્નદાતાએ.”

“મારા કુળમાં કોઈ સગું ન મળે ?”

“અણહિલપુરનો રાજા મૂળરાજ તારો એારમાયો ભાઈ થાય છે ને તારા મોટા બાપુ બીજ પણ ત્યાં રહે છે.”

“ત્યારે આપણે આંહીં શીદ રહીએ છીએ ?”

“આપણે ક્યાં જઈએ? કોણ સંઘરે ?”

“મારા બાપુ પાસે જઈએ – ત્યાં સ્વર્ગમાં. ”

મા સમજી ગઈ. ડળકડળક પાણીડાં પાડતી એ દીકરાને માથે હાથ મેલીને બોલી : “જોજે હો, બાપ, રજપૂતાણીનો દીકરો! બાપનું વેર લેવા જતાં લૂણહરામી ન થતો. તારે રૂંવે રૂંવે મામાનું અન્ન ભર્યું છે, રાખાઈશ ! વેર લેતાં આવડતું હોય તો જાજે.”