ઘોડાંની પરીક્ષા
એમ કરતાંકરતાં સાંજ પડી. કોઠી ગામનાં ઝાડવાં
દેખાણાં. સાંજ ટાણું થવા આવ્યું. આપાએ પાછળ જોયું
તો પાંચસો અસવારમાંથી માત્ર પચાસેક ઘોડાં પવનને
વેગે પંથ કાપતાં આવે છે, અને બાવાની ઘોડી પણ હજુ
નથી ડૂકી.
આપાને વિચાર થયો : “આ તો ફોગટનો આંટો થયો. ઘોડીનું પારખું તો પડ્યું નહિ અને આ તો ગામનાં ઝાડવાં દેખાણાં. એક તો આ લંગોટો ડાયરામાં બેસીને બડાઈ હાંકશે અને વળી આ વિણાઈ ને બાકી રહેલ પચાસ ઘોડાં હવે મને છોડશે નહિ. ગામમાં ગરીશ કે તરત આવીને મને ચોર ઠેરવશે. મારી લાજ જાશે. હવે કરવું શું ? હે સૂરજ ધણી ! સમી મત્ય દેજે !”
આપાને કાંઈક વિચાર આવ્યો. એણે ચોકડું ડોંચ્યું, લખીને તારવી. ગામ એક પડખે રહી ગયું. બાવળની કાંટ્યમાં ઘોડી વહેતી થઈ. બાવોજી પણ આપાને પગલે પગલે હાંકતા ગયા. પચાસ અસવારો પણ પાછળ ને પાછળ ચાંપતા આવ્યા. એ ઝાડની અંદર ઘોડાં જાણે સંતાકૂકડીની રમત રમવા લાગ્યાં. દિવસ ઝડવઝડ જ રહ્યો હતો. જંગલમાં ઘોડાની ઘમસાણ બોલતી હતી; ડાબલાના પડઘા ગાજતા હતા.
એકાએક વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ આપાની ઘોડી થંભી ગઈ. આપાએ જોયું તો સામે એક વોંકળો ચાલ્યો જાય છે અને પાછળ ચાલ્યા આવે છે પચાસ શત્રુઓ. હવે આપો લૂણો ક્યાંથી છટકે? ઘોડી ટપી જાય એટલો સાંકડો એનો પટ નહોતો.
આપા લૂણાએ વોંકળાની ઊંચી ભેખડ ઉપરથી ઘોડીને વેકરામાં ઝીંકી. વાંસોવાંસ બાવાજીએ પણ પોતાની ઘોડીને ઝીંકી. સામે કાંઠે નીકળવા માટે આપાએ પોતાની લખીના