આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૩


કુમુ૦– એમ શું બોલો છે ? આપની ભુલ થઈ હશે, પણ દુષ્ટ તો આ૫ નથી જ. જો આપનામાં દુષ્ટતાનો અંશ હત તો સર્વસ્વ છોડી આ દુષ્ટ શરીરની પાછળ આમ આપ ભટકત નહી, અથવા ભટકત તો આ મહામોહની બે ઘડી જે આપે પ્રત્યક્ષ કરી તે કાળમાં એ મોહને વશ થઈ આ શરીરની જુદી જ અવસ્થા આપે કરી દીધી હત.

સર૦– એમાં મ્હેં કાંઈ નવું નથી કર્યું.

કુમુદ૦– આપ મ્હારાથી અન્ય સર્વ રીતે અધિક છો; પણ સંસારનાં દુઃખના અનુભવમાં હું વધારે ઘડાઈ છું અને જેવી ઘડી આપને ગાળવી પડી છે તેના કષ્ટનો પણ મને અનુભવ છે.

સર૦– તમને એમ નથી લાગતું કે આ વાત કરી દુષ્ટ સંસ્કારોને દૃઢ કરવા કરતાં એ વાત કરવી જ નહીં તે વધારે ક્ષેમકારક છે ?

કુમુદ૦– એ તો અનુભવસિદ્ધ છે.
ક્‌હેતાં ક્‌હેતાં એણે કમ્પારી ખાધી ને તે સરસ્વતીચંદ્રે દીઠી.

સર૦– તમને જોઈ રહું છું ત્યારે મનમાં એવો પ્રશ્ન ઉઠે છે કે દુષ્ટતા તે આવી વાત કરવામાં હશે કે નહી કરવામાં હશે ?

કુમુદ૦– દુષ્ટતા તો આ મુખમાં જ છે કે જેના દર્શનથી આપના જેવા ત્યાગીને આવું દુઃખ થાય છે. સ્ત્રીઓની દૃષ્ટિમાં જ આવું વિષ ભરેલું છે.

સર૦– હરિ ! હરિ ! કુમુદસુંદરી ! જો એવું વિષ સ્ત્રીઓની દૃષ્ટિમાં હોય તો તે પુરુષની વાણીમાં પણ છે કે જેના ઉદ્દગારે તમને અસહ્ય અગ્નિમાં ચલાવ્યાં.

કુમુદસુંદરી શરમાઈ ગઈ, નીચું જોઈ રહી, અને અંતે સ્વસ્થ થઈ બોલી.

“મને હવે ભાન આવે છે કે સાધુજનો મને અંહી એકલી મુકી ગયાં તે વેળાએ મ્હેં મ્હારા હૃદયના ઉભરા ક્‌હાડવા જોડી રાખેલું કાવ્ય ગાવા માંડ્યું હતું. મને લાગે છે કે તે મ્હારી મૂર્છા કાળે પણ ચાલ્યું રહ્યું હશે ને આપના પવિત્ર સુખી કાનમાં કંટક જેવા અનેક પગવાળા કાનખજુરા પેઠે પેસી ગયું હશે. પણ ક્ષમા કરજો, એ જે થયું હોય તે આ શરીરની પરવશતાને લીધેજ.

સર૦- તમારા શરીરને તો સુવર્ણપુરમાં ઘણો કાળ પ્રત્યક્ષ કર્યું હતું; પણુ હૃદયને તો એ ગાને જ પ્રત્યક્ષ કરાવ્યું અને એટલા માટે જ મ્હારી સ્વાર્થી વૃત્તિને એ દર્શન કરાવનારી તમારી મૂર્છા મને ઘણી પ્રિય થઈ પડી હતી.