આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩૯


“ઓ મ્હારા પ્રિયતમ આશ્વાસક ! મને તેની કાંઈ આશા પડતી નથી! ધર્મનો અવતાર આપણા દેશમાં થાય, તે પછી અર્જુનનો થાય, ને તેટલામાં જે યુગ વહી જશે તેટલામાં તો આ દાવાગ્નિની જવાળાઓ એમાં ફરી વળશે ને આ પોપટ, હું, અને તમે સર્વ તેમાં સપડાઈ જઈશું ! ઈશ્વર અનાથનો નાથ ક્‌હેવાય છે ને રંકનો બેલી ક્‌હેવાય છે એ શાસ્ત્ર અને તેની સાથે આપણી સર્વ આશાઓ આ જ્વાળાઓનાં ભયંકર મુખમાં હોમાઈ જશે ! મરવા પછી વરવાની આશા જેવી આ આશા ખોટી છે ! दैवं दुदुर्बलघातकम् । "

સર૦- કુમુદ ! તું શા માટે ગભરાય છે ! આ પોપટને મન એમ વસેલું છે કે આવા સાધારણ ધર્મના પાલનથી દેશનું શું કલ્યાણ થવાનું હતું ? એ પોપટ ક્ષત્રિય છે, ક્ષત્રિય સત્તાના મહાસાગરનાં મોજાંની ગતિ જુવે છે, ને તેમાં આપણા દેશની દીનતા જોઈને નિરાશ થાય છે. પણ તું મને ભેટે છે ને ત્હારું મંગળસૂત્ર મ્હારા મુદ્રામણિ સાથે ઘસાય છે તેના પ્રતાપથી થતું આ નવું જ દર્શન થાય છે તે જો. આ આપણી પાંખો હવે ઉડે છે ને આપણને જુદા દેશમાં આણે છે. આપણું હિમાચલ ગિરિરાજના શિખર ઉપર આપણે જઈએ છીયે. જો તો ખરી ! અર્જુનના વિમાનની દોરીયો દશે દિશાથી ખેંચતાં પ્રાણીયો : ઉત્તર પ્રદેશમાં છેટે પૂર્વ મહાસાગર પાસે કોલાહલ કરી મુકે છે ને આ કચ્ચર ઘાણ વળી રહ્યો છે તે કાનને બ્હેરા કરી મુકે છે. આ ગિરિરાજ નીચે દક્ષિણમાં આપણા દેશની સુન્દર વાડી ખીલી રહી છે ને લોક દેખતા નથી પણ કપિલોકની ચતુરતા પેલી દેરીયોને વાળ જેવી વણી મુકી આખી વાડીના કુવાઓને માથે જળ પેઠે ભરવે છે ને તેનું ફળ થોડા કાળમાં કંઈ અદ્દભુત જ થશે. પેલા મયૂરનાથી વધારે કલાપ આપણા દેશે કર્યો છે પણ તે જોનારી આપણા દેશની પાંચાલી મૂછાવશ થઈને સુતી છે ને આ મયૂરના કલાપ ભૂતકાળના સ્વપ્ન જેવા થઈ ગયા છે – પણ તું જો કે પેલા કપિલોક જ એ કલાપ જોવાના રસિક થાય છે! આપણી પાંચાલીનું આરોગ્ય અને શરીરસૌંદર્ય આપણા સાત્ત્વિક દ્રષ્ટાઓ. ને નાગલોક જોતા ને રચતા હતા અને તે કાળે પણ આપણો કલાપી કલાપ કરતો હતો ! ચકોરના અભિલાષ પાર પડે કે ન પડે, પણ તું જો તો ખરી કે પેલા રાફડાઓ વચ્ચે થઈને નીકળેલો આપણી ગીર્વાણ સરસ્વતીના પ્રકાશનો બિમ્બ અર્જુનના દાવાનળમાંથી આપણને રક્ષે છે ને અર્જુનના પક્ષમાં આપણને લેવાનો અભિલાષી થાય છે; એટલું જ નહી પણ કપિલોકનું અને આપણા આર્યોનું આર્યત્ત્વ અને બન્ધુત્વ એ બમ્બામાંથી નીકળી