આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪૨

બીજા બે દિવસમાં મુંબાઈથી બોલાવેલું ને અણબેલાવેલું મંડળ આવ્યું, અને સુન્દરગિરિ ઉપર મણિરાજના કર્ણભવનને અને વિદ્યાચતુરને ખરચે તંબુઓનું ગામ ઉભું થયું, જ્ઞાનભારતી અને શાંન્તિશર્મા પાસે પચાશેક સાક્ષીઓ લેવાયા ને સરસ્વતીચન્દ્રનું અભિજ્ઞાન ન્યાયવ્યવહારથી સિદ્ધ થયું. તેને બીજે દિવસે આ મંડળ જાનૈયાને અને સામૈયાને રૂપે બદલાઈ વ્હેંચાઈ ગયું ને સરસ્વતીચન્દ્ર અને કુસુમનું વરણવિધાન – લગ્ન – સાધુજનોનો સંપ્રદાય પ્રમાણે સધાયું – ને બાકીનો વ્યવહાર તેનાં માતા- પિતાની ઇચ્છા પ્રમાણે સચવાયો.

વરકન્યા વિષ્ણુદાસજીને ચરણે કન્થાએ પ્હેરીને નમ્યાં. લક્ષ્મીનંદન શેઠે યદુનંદનજીની પ્રતિમા પાસે વીશ હજાર રૂપીઆની ભેટ મુકી અને વિષ્ણુદાસજીએ તેમાંનો અર્ધો ભાગ સુરગ્રામનાં મન્દિરોમાં વ્હેંચવા આજ્ઞા કરી.

કુસુમના કન્યાદાનપ્રસંગે બુદ્ધિધને પ્રમાદધનને માટે પોતાના દ્રવ્યમાંથી રાખેલો અંશ “મયાદત્તમાં” આપ્યો, કુમુદે શ્વશુર પાસેથી પોતાને મળેલો અંશ આપ્યો, અને વરકન્યાને વીદાય કરતી વેળા ગુણસુન્દરી અને સુન્દર રોઈ પડ્યાં તો વિદ્યાચતુર ગંભીર મૌન ધારી પાણીથી ભરેલી આંખે જોઈ રહ્યો, અને નિર્દોષ ઠરેલા અર્થદાસ પાસેથી સરસ્વતીચંદ્રવાળી મુદ્રા વેચાતી લીધી હતી તે કુસુમની આંગળીયે પ્હેરાવી પોતાનાં આંસુ ભણીથી સર્વની દૃષ્ટિને ચુકાવવા લાગ્યો.

ગુમાન વહુધેલી બની અને વરના પક્ષનો સાથ થોડા દિવસ સુન્દરગિરિ ઉપર ટક્યો, વરકન્યાને માટે મણિરાજે કસબી ઝાલરોવાળો તંબુ મોકલ્યો હતેા.

ધનનંદનના મૃત્યુથી સરસ્વતીચન્દ્ર એકલો લક્ષ્મીનંદનનો વારસ હતો ને “ટ્રસ્ટ ડીડ ” કરી શેઠે એને પોતાનું સર્વસ્વ આપી દીધું હતું. સરસ્વતીચન્દ્ર પિતામાતાની સેવાને માટે રખાય એટલું દ્રવ્ય રાખી અન્ય ભાગ પોતાના મનોરાજ્યની પૂર્ણાહુતિમાં નાંખવાની કલ્પનાઓ કરી અને તેની યોજનાઓમાં કુમુદ, કુસુમ, અને મિત્રમંડળ સર્વ ભળ્યાં તે યોજનાઓની વાતો ચલાવતાં ચલાવતાં સર્વ રત્નનગરી જવા નીકળ્યાં.

રત્નનગરીમાંથી નીકળતી વેળા એક પાસ કુસુમ ને બીજી પાસ વિદ્યાચતુર, ગુણસુંદરી, અને સુન્દર વચ્ચે મનોવેધક પ્રસંગ રચાયો, કુસુમનું ચિત્ત કુમુદમાં હતું – કુમુદ વરકન્યાના રથમાં બેસી થોડાક ગાઉ સુધી