આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૫૩
 


“ઠીક જીતવા ! જેવી સુરજની મરજી !”

ચાળીસ ખડીયામાંથી – ચોરાશી પાદરના માલીકોના ચાળીસ ખડીયામાંથી દુ:ખતી આંખ ઉપર ચોપડવા જેટલું ય અફીણ ન નીકળ્યું, એવી તાણ્યનું ટાણું ભાળીને જોગીદાસનો જીવ ઉદાસ થઈ ગયો, પણ તરત જ એને અંતરમાં ભેાંઠામણ ઉપડ્યું. જાણે વિપત્તિ સામે પડકાર દેતો હોય એમ એણે છાતી ગજાવીને ખોંખારો ખાધો. ફરી વાર બધું વિસરી જઈને આથમતા સૂરજ સામે બેરખાના પારા ફેરવવા લાગ્યો.

માળા પૂરી થઈ. એ વખતે એક કાઠી ખેાઈમાં કાંઈક ભરીને જોગીદાસની પાસે આવ્યો. મૂઠી ભરીને એણે કહ્યું, “આલ્યો આપા !”

“શું છે ભાઈ ?”

“આ બે મુઠી ટેઠવા ખાવ : એટલે કોઠામાં બે ચાર ખોબા પાણીનો સમાવો થાય.”

“ટેઠવા વળી શેના બાફ્યા ?”

“બાજરાના.”

“બાજરાના ! બાજરો ક્યાંથી ?”

“ઈ યે વળી સાંભળવું છે આપા ? સુગાશો નહિ ને ?”

“ના રે ભાઈ ! સુગાવા જેવી શાહુકારી બારવટીયાને વળી કેવી ! કહો જોઈએ ?”

“આપા ! આ ચાલીસે ઘોડીને કોક દિ' જોગાણ ચડાવ્યું હશે તેનો ચાટેલ બાજરો ચપટી ચપટી ચાળીસે પાવરામાં ચોંટી રહ્યો હશે, એમ એાસાણ આવ્યાથી ચાળીસે પાવરા ખંખેરીને ઈ બાજરાની ધૂધરી બાફી નાખી છે !”

“અરર ! ઘોડીયુંનો એ બાજરો !”

“એમાં શું આપા ! પાણીમાં ધોઈને ઓર્યોતો. બાકી તો શું થાય ? આજ આઠ આઠ જમણથી કડાકા થાય છે. અને