આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૫
કલકત્તામાં આગમન.


તારે જો શાંતિ મેળવવી હોય તો તને મારી આ સલાહ છે. તારાથી બની શકે તેટલી બીજાઓની સેવા કર.”

એક દિવસ એક વૃદ્ધ પ્રોફેસર જે શ્રીરામકૃષ્ણના ભક્ત હતા તે સ્વામીજીની પાસે આવ્યા અને તેમને પૂછવા લાગ્યા કે; “સ્વામીજી, તમે સેવા, પરોપકાર અને જગતનું કલ્યાણ કરવાની વાતો કરો છો; પરંતુ એ પણ માયાનાંજ કાર્યો છે. વેદાન્ત પ્રમાણે તો મનુષ્ય મુક્તિને પ્રાપ્ત કરવાને માયાનાં સર્વ બંધનોને તોડી નાંખવાં જોઈએ. તેને બદલે પરોપકારાદિ કરવાથી તો માયાની ઉપાધિમાં મન પડી જાય છે.”

સ્વામીજીએ એકદમ જવાબ આપ્યો: “પણ ત્યારે તો મુક્તિને પ્રાપ્ત કરવી એ પણ પાપનું જ કાર્ય નથી ? આત્મા સર્વદા મુક્ત છે એમ વેદાન્ત આપણને શિખવતું નથી ? મુક્ત આત્માની બાબતમાં મુક્તિ મેળવવાની કેવી હોય ? કાંટા વડે કાંટો કહાડવાની પેઠે અથવા તો (કપડામાંના મેલરૂપી) એક વસ્તુને બીજી (સાબુરૂપી) વસ્તુ વડે દૂર કરવાની પેઠે તામસ માયાને માયાથી અને રાજસ માયાને સાત્વિક માયાથીજ દૂર કરવાનું બની શકે છે. પછી જો એકલી સાત્વિક માયા રહેશે તેનો તો સ્વભાવજ એવો છે કે તે આપો આપજ દૂર થઈ જશે.”

એક દિવસ શ્રીરામકૃષ્ણ પરમહંસના ભત્રીજા શ્રીરામલાલ ચટ્ટોપાધ્યાય સ્વામીજીને મળવા આવ્યા. તેમને જોઈને સ્વામીજી એકદમ ખુરશી ઉપરથી ઉભા થયા અને પોતાની ખુરશી તેમને આપી. એ વખતે બીજા જે અનેક મનુષ્યો સ્વામીજીની આસપાસ બેઠેલા હતા તેમની વચમાં સ્વામીજીની ખુરશી ઉપર બેસવાનું રામલાલને ઠીક લાગ્યું નહિ તેથી તેમણે સ્વામીજીને પોતાને સ્થાને પાછા બેસી જવાનું કહ્યું; પણ સ્વામીજીએ તે માન્યું નહિ. તેમણે રામલાલને આગ્રહપૂર્વક પોતાની ખુરશી ઉપર બેસાડ્યા અને ખુરશી એકજ હોવાથી સ્વામીજી