આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૯
કલકત્તામાં આગમન.


કેટલાક ગુજરાતી પંડિતો એકવાર સ્વામીજીની સાથે શાસ્ત્રાર્થ કરવાને આવ્યા. તેઓએ સંસ્કૃતમાંજ વાત શરૂ કરી. સ્વામીજી પણ તેમને સંસ્કૃતમાંજ જવાબ આપવા લાગ્યા. સ્વામીજીની વાણી મધુર હતી અને પંડિત કરતાં પણ વધારે ઝડપથી તે બોલી શકતા હતા. બોલતાં બોલતાં સ્વામીજીથી એક ભૂલ થઈ ગઈ. “સ્વસ્તિ” ને બદલે “અસ્તિ” તેમનાથી બોલાઈ ગયું ! આ નજીવી બાબતને મોટું સ્વરૂપ આપીને પંડિત ખડખડ હસવા લાગ્યા ! સ્વામીજીએ પોતાની ભૂલ એકદમ સુધારી અને તે કહેવા લાગ્યા કે “પંડિતોનો હું દાસ છું. એવી નજીવી ભુલને તો તેમણે જતી કરવી જોઈએ.” એ પછી પૂર્વ મિમાંસા અને ઉત્તર મિમાંસા વગેરે ઉપર કેટલીક ચર્ચા ચાલ્યા પછી ઘેર જતે જતે પંડિતો સ્વામીજીના સ્નેહીઓને કહેવા લાગ્યા કે, સ્વામીજીને સંસ્કૃત વ્યાકરણનો વધારે ઉંડો અભ્યાસ હોય એમ લાગતું નથી, પણ આપણાં શાસ્ત્રો ઉપર તો તેમણે ઘણો સારો કાબુ મેળવેલો છે. વાદવિવાદ કરવામાં તેમની શક્તિ અપૂર્વ છે. તેઓ ઘણીજ અજાયબી ભરેલી રીતે પોતાના વિચારો દર્શાવે છે અને બીજાના તર્કોને તોડી નાંખે છે. તેમની બુદ્ધિ ઘણીજ વિલક્ષણ છે.

પંડિતોના ગયા પછી સ્વામીજીએ સર્વને જણાવ્યું કે આપણા પંડિતો વિદ્વાન હોય છે, પણ તેમની રીતભાત અસભ્ય હાય છે. એકાદ શબ્દની ચુક માટે મારા પ્રત્યે તેમણે જે રીતભાત દર્શાવી તેવું પશ્ચિમમાં ચાલી શકે નહિ. પશ્ચિમના સુશિક્ષિત વર્ગના લોકો સામાના કહેવાનો ભાવાર્થ શો છે તેજ જાણવાનો પ્રયાસ કરે છે. તેઓ ભાષા કે વ્યાકરણ સંબંધી ભૂલને મહત્વ આપતા નથી અને હસવા મંડી પડી વક્તાનું અપમાન કરતા નથી. તેઓ વિષયને બાજુ ઉપર મૂકી એવી નજીવી બાબતોમાં જીવ ઘાલતાજ નથી. આપણા પંડિતો તો કહેવાની મતલબને બાજુ ઉપર મૂકી દે છે અને શબ્દોને