આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૩
રામકૃષ્ણ મિશનની સ્થાપના.


બાબતોનો અભ્યાસ કરવામાં જીવ ઘાલતા નથી; તમે તો તમારા “કૃષ્ણો અને વિષ્ણુઓ”નીજ વાતો કર્યા કરો છો.” ગિરીશબાબુ જરાક વિનયથી કહેવા લાગ્યા કે, “ભાઈ ! વેદનું અધ્યયન મારે શા કામનું છે ! મને અવકાશ પણ નથી અને વેદને સમજવાની મારામાં બુદ્ધિ પણ નથી; માટે વેગળેથીજ તેમને નમસ્કાર કરીને શ્રીરામકૃષ્ણની કૃપાથી હું આ ભવસાગરને તરી જઈશ.”

જ્યારે સ્વામીજી કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરતા–પછી તે ગમે તે બ્રહ્મજ્ઞાન હો, ભક્તિ, કર્મયોગ કે પ્રજાકિય આદર્શો હો – ત્યારે તેજ વિષયને સર્વોત્તમ કરીને સ્થાપવાનો તેમનો સ્વભાવ હતો. ગિરીશબાબુ સારી પેઠે જાણતા હતા કે સ્વામીજી ભક્તિને જરાએ ગૌણ ગણતા નથી, પણ તેમના શબ્દો વખતે બધાએ સમજી શકે નહિ અને આડે માર્ગે દોરાય એટલા માટે તે સ્વામીજીને પૂછવા લાગ્યા કે, “ઠીક, નરેન્દ્ર, હું તમને એક વાત પૂછું છું. તમે વેદો અને વેદાન્તનો ઘણો અભ્યાસ કરેલો છે, પણ આ ભૂખે મરતા માણસના વિલાપ, વ્યભિચાર જેવાં અઘોર પાપ અને બીજાં એવાં રોજ નજરે પડતાં દુઃખો અને પાપોને માટે કોઈ ઉપાય તેમાં લખેલા છે ? પેલા મકાનમાં રહેનારી સ્ત્રી એકવાર રોજ પચાસ માણસોનું પોષણ કરતી હતી; તેને હવે આજ ત્રણ દિવસથી પોતાનું અને પોતાનાં છોકરાંનું એકવારનું ખાવાનું મળવું પણ મુશ્કેલ થઈ પડેલું છે. અમુક સ્ત્રીની હરામખોરોએ લાજ લીધી છે અને તેને મરણને શરણ કરી દીધી છે. અમુક વિધવાએ ગર્ભપાત કર્યો છે અને પોતાનું મુખ છુપાવવાને તેણે આત્મહત્યા કરેલી છે. હું તમને પૂછું છું કે આ દુઃખો અને પાપો ટાળવાના ઉપાય વેદોમાંથી તમને જડી આવે છે ?” સ્વામીજી એ સાંભળીને ચુપ થઈ ગયા. તેમનું હૃદય ભરાઈ આવ્યું. જગતનાં દુઃખોનો ચિતાર સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયાં અને