વેણીનાં ફૂલ/લાલ લાલ જોગી
← ચલ ગાગર | વેણીનાં ફૂલ લાલ લાલ જોગી ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ |
દાદાજીના દેશમાં → |
લાલ લાલ જોગી ભભૂત લાલ જોગી રે !
ભભૂત ભરેલી એની આંખ લાલ જોગી રે !
પીંગળી જટા વિશાલ ભાલ લાલ જોગી રે !
લાલ ચાંદલો ને ગાલ લાલ લાલ જોગી રે !
મંદ મંદ મંદ એની ચાલ લાલ જોગી રે !
ચાંખડી ચડન્ત ચરણ લાલ લાલ જોગી રે !
હાથમાં ત્રિશૂલ ગળે માલ લાલ જોગી રે !
અહાલેક ! બોલ હોઠ લાલ લાલ જોગી રે !
ખંજરી બજે મિલાવે તાલ લાલ જોગી રે !
જીભ પાતળી પ્રવાલ લાલ લાલ જોગી રે !
ઘડીમાં વિરાટ ઘડી બાલ લાલ જોગી રે !
મહાદેવ કે મુકુન્દ લાલ લાલ જોગી રે !
દેવ નહિ, મુકુન્દ નહિ, ન બાલલાલ જોગી રે !
ઉતર્યા અઘોર ઘોર કાલ લાલ જોગી રે !
🙖