સાંતીડુ જોડીને
સાંતીડુ જોડીને અખો |
પદ ૭ સાંતીડાનું ભજન
સાંતીડુ જોડીને સમજાવિયે, રૂડા રામના બીજ લઈ વાવિયે ટેક..
દયા-માયાના ડોળિયા પ્રાણી, પ્રેમના જોતર વાળ, પ્રાણી પ્રેમના જોતર વાળ;
રાશ લેજે ગુરૂ જ્ઞાનની તારે, સંત પરોણો હાથ.—
સાંતીડુ જોડીને ૨.
પહેલી ગણ પધોરની પ્રાણી ! કાળના ગૂંડાં કાઢ, પ્રાણી કાળનાં ગૂંડાં કાઢ;
બીજી ગણ બહુનામની તારાં, પાપ સમૂળાં જાય.—
સાંતીડુ જોડીને ૩.
ત્રીજી ગણ ત્રિભોવનની પ્રાણી, ત્રષ્ણા બેડી ટાળ, પ્રાણી ! ત્રષ્ણા બેડી ટાળ;
ચોથી ગણ ચત્રભુજની તારાં, ખેતર આવ્યાં તાર.—
સાંતીડુ જોડીને ૪.
ત્રાટકની આવી વાવણી, ભાઈ ! સત્યની ઓરણી બાંધ, પ્રાણી ! સત્યની ઓરણી બાંધ,
પાંચ આંગળીયે પૂરજે તારે, લાખે લેખાં થાય.—
સાંતીડુ જોડીને ૫.
ઊગીને જ્યારે ઓળે ચઢ્યું, પ્રાણી, વાડની મકર વેલ, પ્રાણી ! વાડની મકર વેલ;
ચારે દિશાએ રાખ સુરતા, એથી પાકશે રૂપારેલ.—
સાંતીડુ જોડીને ૬.
પોંક આવ્યો હવે પાકશે પ્રાણી, મનનો મેડો નાખ, પ્રાણી મનનો મેડો નાખ;
ગોફણ લેજે જ્ઞાનની ભાઈ , પ્રેમના ગોળા ફેંક. —
સાંતીડુ જોડીને ૭.
ઢાળીડો આવ્યો ઢાળવા પ્રાણી, ઢાળ ભરેલી થાય, પ્રાણી ઢાળ ભરેલી થાય;
ખાઓ પીઓ ધન વાવરો એનો, ભોગ ભગવાનને જાય.—
સાંતીડુ જોડીને ૮.
ગાણું ગાજે હવે જ્ઞાનનું ભાઈ, હૈયાની હુંપદ હાર પ્રાણી, હૈયાની હુંપદ હાર;
અખો ભગત કહે પ્રભુ ભજ્યા વિના, નહીં ઉતરો ભવપાર;
સાંતીડુ જોડીને સમજાવિયે, રૂડાં રામના બીજ લઈ વાવિયે.
અન્ય સંસ્કરણ ફેરફાર કરો
સાંતીડુ જોડીને સમજાવીએ,
રૂડા રામના બીજ લઈ વાવ.
દયા-માયાના ડોળિયા પ્રાણી ! પ્રેમના જોતર વાળ,
પ્રાણી પ્રેમના જોતર વાળ;
રાશ લેજે ગુરૂજ્ઞાનની, તારે સંત પરોણો હાથ. … સાંતીડુ
પહેલી ગણ પધોરની, પ્રાણી ! કાળના ગૂંડાં કાઢ,
પ્રાણી કાળનાં ગૂંડાં કાઢ;
બીજી ગણ બહુનામીની, તારાં પાપ સમૂળાં જાય. … સાંતીડુ
ત્રીજી ગણ ત્રિભોવનની, પ્રાણી ! ત્રષ્ણા બેડી ટાળ,
પ્રાણી ! ત્રષ્ણા બેડી ટાળ;
ચોથી ગણ ચત્રભુજની, તારાં ખેતર આવ્યાં તાર. … સાંતીડુ
ત્રાટકની આવી વાવણી, ભાઈ ! સત્યની ઓરણી બાંધ,
પ્રાણી ! સત્યની ઓરણી બાંધ,
પાંચ આંગળીએ પૂરજે, ત્યારે લાખે લેખાં થાય. … સાંતીડુ
ઊગીને જ્યારે ઓળે ચઢ્યું, પ્રાણી ! વાડની મ કર ફેલ,
પ્રાણી ! વાડની મ કર ફેલ;
ચારે દિશાએ રાખ સુરતા, એથી પાકશે રૂપારેલ. … સાંતીડુ
પોંક આવ્યો હવે પાકશે, પ્રાણી ! મનનો મેડો નાખ.
પ્રાણી ! મનનો મેડો નાખ;
ગોફણ લેજે જ્ઞાનની ભાઈ ! પ્રેમના ગોળા ફેંક. … સાંતીડુ
ઢાળીયો આવ્યો ઢાળવા પ્રાણી ! ઢાળ ભરેલી થાય,
પ્રાણી ! ઢાળ ભરેલી થાય;
ખાઓ પીઓ ધન વાવરો, એનો ભોગ ભગવાનને જાય. … સાંતીડુ
ગાણું ગાજે હવે જ્ઞાનનું, ભાઈ ! હૈયાની હુંપદ હાર,
પ્રાણી ! હૈયાની હુંપદ હાર;
અખો ભગત કહે પ્રભુ ભજ્યા વિના, નહીં ઉતરો ભવપાર.
સાંતીડુ જોડીને સમજાવીએ,
રૂડાં રામના બીજ લઈ વાવ.