અખેગીતા/કડવું ૧૧ મું - સર્વાત્મભાવ તેજ પ્રેમલક્ષણા ભક્તિ

← કડવું ૧૦ મું - ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનું માહાત્મ્ય અખેગીતા
કડવું ૧૧ મું - સર્વાત્મભાવ તેજ પ્રેમલક્ષણા ભક્તિ
અખો
કડવું ૧૨ મું - સર્વાત્મભાવ જ્ઞાનતુર્ય પદ  →


કડવું ૧૧ મું - સર્વાત્મભાવ તેજ પ્રેમલક્ષણા ભક્તિ

રાગ ધન્યાશ્રી

વળી વળી કહું છું ભક્તિ વિશેષજી, જેહ ન દેખે હરિવિના શેષજી,
પેખે સઘળા હરિના વેષજી, તે જન ન કરે કેહેનો ઉવેખજી. ૧

પૂર્વછાયા

ઉવેખ ન કરે કોયનો, આત્મા વિલસી રહ્યો,
જેહને શ્રીભાગવત ગાયે, ગીતા ઉપનિષદે જે કહ્યો. ૧

ભાઇ ભક્ત તે જે એમ જાણે, જાણીને હૃદયે ધરે;
સ્વામી માહરો રહ્યો સઘળે, અહર્નિશ ચિંતન એમ કરે. ૨

ભુવન ત્રણ્યમાં રહ્યો પૂરી, પૂરણ સ્વે[] પરમાતમા;
પોતે તો પીયુજી નિરંતર, પણ ભેદ દેખે ભાતમાં[]. ૩

માહરો રામ રમે છે સર્વવિષે, એમ હેતે હીસે[] મન;
હરિ કહે એ સાંભલે હરિ, હરિને સોંપે તન. ૪

નિત્ય રાસ નારાયણનો, દેખે તે અનંત અપાર;
જિહાં તેવો તિહાં તેહવો, નારાયણ નર નાર. ૫

ગદગદ કંઠે ગાતે થકે, રોમાંચિત હોયે ગાત્ર;
હર્ષ આંશુ બહુ હેત હૃદય, પ્રેમકેરૂં તે પાત્ર. ૬

ખાતો પીતો બોલતો, દેખતો તે સઘળે રામ;

વેંધું[] મન રહે તેહનું, શીથલ સંસારી કામ. ૭

નવનીત [] સરખું હૃદે કોમલ, કહ્યું ન જાતે હેત;
આંખમાંહે અમૃત ભરિયું, હરિભક્તિકેરૂં ક્ષેત્ર. ૮

જેમ જારે[] લુબધી[] યુવતી, [] તેનું મન રહે પ્રિતમપાસ;
અહર્નિશ રહે આલોચતી,[] ભાઇ એહવું મન હરિદાસ. ૯

કહે અખો સહુકો સુણો, હરિ લક્ષ લાગ્યો ચિંતને[૧૦];
મનન તેહને માહાવનું[૧૧], તે સેવે હર-ગુરુ-સંતને. ૧૦


  1. પોતે
  2. નામરૂપમાં
  3. પ્રસન્ન થાય
  4. વિંધાયેલું
  5. માખણ જેવું
  6. ઉપમતિમાં
  7. અત્યંન્ત પ્રીતિવાળી થઇ
  8. સ્ત્રી
  9. જોતી
  10. ચિત્તને
  11. પરમાત્માનું