અખેગીતા/કડવું ૧૮ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ - ૨

← કડવું ૧૭ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ -૧ અખેગીતા
કડવું ૧૮ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ -૨
અખો
કડવું ૧૯ મું - સ્તુતિ કરતા જીવની બ્રહ્મ સાથે એકતા →


કડવું ૧૮ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ - ૨


રાગ ધન્યાશ્રી

જે પ્રભુ વાણીયે ન કહેવાયજી,પામણહારો સેહેજે પલાયજી[];
અગમઅગોચર જેહને વેદ ગાયજી, અટપટો આશય સેહેજે સમજાયજી.

પૂર્વછાયા

સેહેજમાં સાધન લાગે, અણલિંગી અનુભવ એહવો;
વંધ્યાસુત જેમ સરાહે[], અચવ્યો [] રસ પીવો નવો. ૧

મુખવિના રસપાન કરવું, એહવું તે બ્રહ્મજ્ઞાન;
શ્રવણવિના તે શબ્દ સુણવો, નેત્રવોહનું [] જેમ ધ્યાન. ૨

વસ્તુગતે [] સેવક નહિ, અને સ્વામીને નહિ રૂપ;
ગ્રાહ્ય-ગ્રાહક-ભાવ [] નહિ, એહવું તે ધામ અનુપ. ૩

જેહને વર્ણ વેષ ન રૂપ મુદ્રા [], તેહતણા સર્વ રંગ;
છાયા માયા નહિ જેહને, તેહના જાણો સર્વ ઢંગ. ૪

સ્થાન માન જેહને નહિ, અકલ રૂપ અપાર;
તેવડે એ સર્વ શોભે, આપે જાણણહાર. ૫

વાણી માંહે જેહ ન આવે, તેહતણી સર્વ વાણ્ય;
નેતિ [] નેતિ કરી સો કહીયે, તેહની જાણે સર્વ જાણ. ૬

કૂટસ્થ [] આત્મા બ્રહ્મ કૈવલ્ય[૧૦], તેહનો સર્વ પસાર;
જેહને વિશેષણ એકે ન લાગે, તે વિલસી રહ્યો સંસાર. ૭

જે કહેવોએ કહેવાય નહિ, શબ્દાતીત સદાય;
અનિર્વચની વચન બોલે, તે નાવે વાણીમાંય. ૮

એ તો પ્રીછણ્હારવિના[૧૧] પ્રીછવું, પદાર્થ-વોહોણી[૧૨] જે પ્રીછ;
આપે આપનું જે નિરીક્ષણ[૧૩], ઇચ્છા-વોણી જે ઇચ્છ. ૯

કહે અખો એ વાણ્ય-વર્જિત,નિજસ્ફુર્ણ મહંતને;
એ સમસ્યા તેણે લહી, જેણે સેવ્યા હરિ-ગુરુ-સંતને. ૧૦


  1. દૂર ર્હઈ જાય
  2. વખાણે
  3. નહિ અનુભવેલો
  4. આંખો વિના
  5. વસ્તુતાએ
  6. ગ્રહણ કરવા યોગ્ય ને ગ્રહણ કરનાર એવો ભાવ
  7. ચિહ્ન
  8. આ આત્મા નહિ
  9. અવિકારી
  10. માયા
  11. જાણનાર વિના
  12. વસ્તુવિના
  13. અવલોકન