અખેગીતા/કડવું ૩૫ મું - સત્સંગના ફળનું વર્ણન

← કડવું ૩૪ મું - સત્સંગની આર્તિ અને સંતના ગુણ અખેગીતા
કડવું ૩૫ મું - સત્સંગના ફળનું વર્ણન
અખો
કડવું ૩૬મું - અદ્વૈતપદની દ્દઢતા →


કડવું ૩૫ મું - સત્સંગના ફળનું વર્ણન

રાગ ધન્યાશ્રી

સંત સેવે તે સર્વ સુખ પામેજી, મન ન લાગે બીજે ભામેજી;[]
જન્મમરણ ને સુખદુઃખ વામેજી [],જેમ જલ ઢળી આવે નીચે ખામેજી[]. ૧

પૂર્વછાયા

જેમ નીચી ભોમે[] જલ ઢળી આવે, તિહાં ખામામાં તે રહે ભર્યું;
તેમ રામ હૃદયમાંહે વસે, ગુરુ ગોવિંદ ત્યાં ઘર કર્યું. ૧

જેમ ભક્તને ભગવાન વાહલા, તેમ ભક્ત વાહલા ભગવાનને;
અંતર માંહેલો આશય જાણી, શકે ન મૂકી ધામને. ૨

જેવા ભક્તને ભગવાન દુર્લભ, એવા ભક્ત દુર્લભ રામને;
ભક્ત બીજા છે ઘણા, ઈચ્છે ધર્મ-અર્થ-મોક્ષ-કામને. ૩

સકામે સ્વામીને ભજે,આશ્ચર્ય એહનું નહિ કશું;
નિષ્કામ વાલા નાથને, હેત તેહનું મન વસ્યું. ૪

અણલિંગી ની ભક્તિ બ્યાસિમી [], કોઇક જાણે તે કરી;
ત્યાં ધ્યેય-ધાતાનું કારણ ન રહે, તે જાણે જેણે આચરી. ૫

ભાઇ સંત સંગ પ્રતાપ મોટો, રસના તે બાપડી શું કહે;
હેહને વિતશે તે જાણશે, અખો તો એટલું કહે. ૬

જેહને કૃપાનિધાન કૃપા કરે, તે સંતને સદ્‍ગુરુ મળે;
તે સદ્‍ગુરુ મળતે પાર પામે, જીવ બ્રહ્મમાંહે ભળે. ૭

જીવ બ્રહ્મમાં ભળ્યાનો, અખેગીતામાં ભેદ છે;
એ અનુભવતાં અદ્વૈત થઇએ, અવિચલ વાણી વેદ છે. ૮

કાંઈ ક્લેશ કીધા વિના, કૃષ્ણમાં તે જન ભળે;
એ ગીતાનો ભેદ સમજે, તે નર જીવ તતક્ષણ ટળે. ૯

કહે અખો એ ગીતાકેરી, ગમ્ય થાએ તે જંતને;
તેહને રામ હૃદયમાં રાખે, પ્રતાપ હરિ-ગુરુ-સંતને. ૧૦


  1. મિથ્યા વાતમાં
  2. નાશ કરે
  3. ખામણામાં
  4. ભૂમિપર
  5. ત્રણ ગુણ વિનાની -નિર્ગુણ.