અખેગીતા/કડવું ૩૮મું-વસ્તુની અદ્વૈતતા
← કડવું ૩૭મું-વસ્તુનું માહાત્મ્ય | અખેગીતા કડવું ૩૮મું-વસ્તુની અદ્વૈતતા અખો |
કડવું ૩૯મું-સદ્ગુરુનું માહાત્મ્ય → |
કડવું ૩૮મું-વસ્તુની અદ્વૈતતા
રાગ ધન્યાશ્રી
એ અનંતને બોલ્યા ન જાયજી, મહતા નાવે વાણી માંયજી;
વચન ન લાગે તો કેમ કહેવાયજી, મહા ચૈતબ્ય ધન નહિ મનકાયજી.
કાયા મન કોણ કહે તેહને, જિહાં કહણહાર કહેવું નથી;
અધો ઉર્ધ્વ તે શું શા થકી, જિહાં ગ્રહણહારે ગ્રહ્યું નથી. ૧
દૂર નિકટ તે શા થકી શું, જો મધ્યે પદારથ નહિ કશું;
સદા નિરંતર છેજ સરખું, વસ્તુ વિચારે એ અશું.[૧] ૨
પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો છે, જગત નાથિ નિરધાર;
પરઠણહારે[૨] પરઠ્યું નથી, નહિ વિચાર અવિચાર. ૩
ચક્રાતીત[૩] ચિતવે થકે, ભાઈ રહે તે અદ્ભૂત વસ્ત;
અતુલ આશે અનંત મોટો, જિહં નહિ ઉદે ને અસ્ત. ૪
ઉદે અસ્ત બ્રહ્માંડ માંહે, દિનકરવડે દિનરાત્ય;
દિનરાત્ય કરી કાલ માપના, મરણજીવન બહુ ભાત્ય. ૫
એ સ્થૂલભોગ બ્રહ્માંડ માંહે, ચૌદલોક કેરી વરત્ય[૪]
અનિર્વચની તિહાં વાણી ન પહોંચે, નહિ તિહાં સંસૃત્ય[૫]. ૬
સ્વતંત્ર સ્વામી સદા, તિહાં જેમ છે તેમનું તેમ;
થયું ગયું કાંઈએ નથી, સહજેજ એ છે એમ. ૭
આપાપર કોએ નથી, જીવાજીવ વિગ્રહ[૬] કશો;
પૂર્વ પશ્ચિમ નથી કહેવા, કાર્ય-કારણ-વિણ અશો. ૮
જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતા-વિના, જેમનું તેમ સદાય;
એ પૂરણની પૂરણતા, વેત્તા=વેધ-વિનાય. ૯
કહે અખો બ્રહ્મ અનિર્વચની, વચન નહિ અનંતને;
અક્ષરાતીત[૭] આનંદપદની, ગમ્ય છે મહંતને. ૧૦