અધમ ઉદ્ધારણ અવિનાશી
બ્રહ્માનંદ સ્વામી



અધમ ઉદ્ધારણ અવિનાશી

અધમ ઉદ્ધારણ અવિનાશી તારા,
 બિરુદની બલિહારી રે;
 ગ્રહી બાંહ્ય છોડો નહિ ગિરિધર,
 અવિચળ ટેક તમારી રે.. ટેક

 ભરી સભામાં ભૂધરજી તમે,
 થયા છો માડી મારી રે;
 બેટાને હેતે બોલાવો,
 અવગુણિયા વિસારી રે... અધમ.. ૧

 જેવો તેવો પુત્ર તમારો,
 અણસમજુ અહંકારી રે;
 પેટ પડ્યો તે અવશ્ય પાળવો,
 વા’લમ જુઓને વિચારી રે... અધમ.. ૨

 અનળ અહિ જો ગ્રહે અજાણે,
 તો છોડાવે રોવારી રે;
 બાળકને જનની સમ બીજું,
 નહિ જગમાં હિતકારી રે... અધમ.. ૩

 બ્રહ્માનંદની એ જ વિનંતી,
 મન ધારીએ મુરારી રે;
 પ્રીત સહિત દર્શન પરસાદી,
 જોયે સાંજ સવારી રે... અધમ.. ૪