અનાસક્તિયોગ/૧૦. વિભૂતિ-યોગ
← ૯. રાજવિદ્યા-રાજગુહ્ય-યોગ | અનાસક્તિયોગ ૧૦. વિભૂતિ-યોગ ગાંધીજી |
૧૧. વિશ્વરૂપ-દર્શન-યોગ → |
૧૦
વિભૂતિયોગ
સાતમા, આઠમા અને નવમા અધ્યાયમાં ભક્તિ ઈત્યાદિનું નિરૂપણ કર્યા પછી ભગવાન પોતાની અનંત વિભૂતિઓનું યત્કિંચિત દિગ્દર્શન ભક્તોને અર્થે કરાવે છે.
श्रीभगवान बोल्याः:
હે મહાબાહો ! ફરી પણ મારું પરમ વચન સાંભળ. એ હું તને પ્રિયજનને તારા હિત સારુ કહીશ. ૧.
દેવો અને મહર્ષિઓ મારી ઉત્પત્તિને અથવા પ્રભાવને જાણતા નથી, કેમ કે હું જ દેવોનું અને મહર્ષિઓનું સર્વ પ્રકારે આદિકારણ છું. ૨.
અજન્મા અને અનાદિ એવો હું જ લોકોનો મહેશ્વર છું, એમ જે જાણે છે તે માણસો વચ્ચે મોહરહિત થઈ બધાં પાપમાંથી મુક્ત થાય છે. ૩.
બુદ્ધિ, જ્ઞાન, અમૂઢતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયનિગ્રહ, શાંતિ, સુખ, દુઃખ, ઉદ્ભવ અને નાશ, ભય, તેમ જ અભય, અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, યશ, અપયશ એમ પ્રાણીઓના જુદા જુદા ભાવો મારા થકી ઉત્પન્ન થાય છે. ૪ – ૫.
[નોંધ : ભાવ એટલે પદાર્થ, વત્તિ અથવા અવસ્થા. -કા૦]
સપ્તર્ષિ, તેમની પૂર્વેના સનકાદિ ચાર, અને (ચૌદ) મનુ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલા છે અને તેમાંથી આ લોકો પેદા થયેલા છે. ૬.
આ મારી વિભૂતિ અને સામર્થ્યને જે યથાર્થ ત અવિચળ સમતાને પામે છે એમાં સંશય નથી. ૭.
હું બધાની ઉત્પત્તિનું કારણ છું અને બધું મારા થકી જ પ્રવર્તે છે, એમ જાણીને ડાહ્યા લોકો અને ભાવપૂર્વક ભજે છે. ૮.
મારામાં ચિત્ત પરોવનારા, અને પ્રાણાર્પણ કરનારા એકબીજાને બોધ કરતાં, મારું જ નિત્ય કીર્તન કરતાં, સંતોષમાં અને આનંદમાં રહે છે. ૯.
એમ મારામાં તન્મય રહેનાર અને મને પ્રેમપૂર્વક ભજનારને હું બુદ્ધિશક્તિ અને જ્ઞાન આપું છું જેથી તેઓ મને પામે છે. ૧૦.
તેમની ઉપર અનુગ્રહ કરીને, તેમના હૃદયમાં રહેલો હું, જ્ઞાનરૂપી પ્રકાશમય દીવાથી, તેમના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરું છું. ૧૧.
अर्जुन बोल्या :
હે ભગવાન ! તમે પરમ–બ્રહ્મ છો, પરમધામ છો, પરમ-પવિત્ર છો. બધા ઋષિઓ, દેવર્ષિ નારદ, અસિત, દેવલ અને વ્યાસ તમને અવિનાશી, દિવ્ય-પુરુષ, આદિદેવ, અજન્મા, અને સર્વવ્યાપી કહે છે. ને તમે પોતે પણ મને તેમ જ કહો છો. ૧૨ – ૧૩.
હે કેશવ ! તમે જે મને કહો છો તે હું સ્વીકાર્રું છું. હે ભગવાન ! તમારું સ્વરૂપ નથી જાણતા દેવો કે દાનવ. ૧૪.
હે પુરુષોત્તમ ! હે જીવોના પિતા ! હે જીવેશ્વર ! હે દેવોના દેવ ! હે જગતના સ્વામી ! તમે પોતે જ પોતા વડે પોતાને જાણો છો. ૧૫.
જે વિભૂતિઓ વડે આ લોકોને તમે વ્યાપી રહ્યા છો તે તમારી દિવ્ય વિભૂતિઓ વડે આ લોકોને તમે વ્યાપી રહ્યા છો તે તમારી દિવ્ય વુભૂતિઓ મને કૃપા કરી પૂરેપૂરી કહો. ૧૬.
હે યોગિન ! તમારું નિત્ય ચિંતવન કરતો કરતો તમને હું કઈ રીતે ઓળખી શકું ? હે ભગવાન ! કયે કયે રૂપે મારે તમારું ચિંતવન કરવું ? ૧૭.
હે જનાર્દન ! તમારી શક્તિ અને તમારી વિભૂતિનું વર્ણન મારી પાસે વિસ્તારપૂર્વક ફરી કરો. તમારી અમૃતમય વાણી સાંભળતાં તૃપ્તિ થતી જ નથી. ૧૮.
श्रीभगवान बोल्याः:
ભલે, ત્યારે હું મારી મુખ્ય મુખ્ય દિવ્ય વિભૂતિઓ તને કહીશ.પણ હે કુરુશ્રેષ્ઠ ! મારા વિસ્તારનો અંત તો છે જ નહીં. ૧૯.
હે ગુડાકેશ ! હું બધાં પ્રાણીઓના હૃદયને વિશે રહેલો આત્મા છું. હું જ ભૂતમાત્રનો આદિ, મધ્ય અને અંત છું. ૨૦.
આદિત્યોમાં વિષ્ણુ હું છું, જ્યોતિઓમાં ઝગઝગતો સૂર્ય હું છું; વાયુઓમાં મરીચિ હું છું, નક્ષત્રો વચ્ચે હું ચન્દ્ર છું. ૨૧.
વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇંદ્રિયોમાં હું મન છું, અને પ્રાણીઓનું ચેતન પણ હું છું. ૨૨.
રુદ્રોમાં શંકર હું છું, યક્ષ અને રાક્ષસોમાં કુબેર હું છું, વસુઓમાં અગ્નિ હું છું, પર્વતોમાં હું મેરુ છું. ૨૩.
હે પાર્થ ! પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ મને જાણ. સેનાપતિઓમાં કાર્તિકસ્વામી હું છું, અને સરોવરોમાં હું સાગર છું. ૨૪. મહર્ષિઓમાં ભૃગુ હું છું, વાચામાં એકાક્ષરી ૐ હું છું, યજ્ઞોમાં જપયજ્ઞ હું છું, અને સ્થાવરોમાં હિમાલય હું છું. ૨૫.
બધાં વૃક્ષોમાં અશ્વત્થ (પીપળ) હું છું, દેવર્ષિઓમાં નારદ હું છું, ગાંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલમુનિ છું. ૨૬.
અશ્વોમાં અમૃતમંથનને ટાણે ઉત્પન્ન થયેલ ઉચ્ચૈઃશ્રવા મને જાણ. હાથીઓમાં ઐરાવત અને મનુષ્યોમાં રાજા હું છું. ૨૭.
હથિયારોમાં વજ્ર હું છું, ગાયોમાં કામધેનુ હું છું, પ્રજોત્પત્તિનું કારણ કામદેવ હું છું, સર્પોમાં વાસુકિ હું છું. ૨૮.
નાગોમાં શેષનાગ હું છું, જલચરોમાં વરુણ હું છું, પિતરોમાં અર્યમા હું છું, અને નિયમનમાં રાખનારાઓમાં યમ હું છું. ૨૯.
દૈત્યોમાં પ્રહ્લાદ હું છું, ગણનારાઓમાં કાલ હું છું, પશુઓમાં સિંહ હું છું, પક્ષીઓમાં ગરુડ હું છું. ૩૦.
પાવન કરનારાઓમાં પવન હું છું, શસ્ત્રધારીઓમાં (પરશુ)- રામ હું છું, માછલાંમાં મગરમચ્છ હું છું, નદીઓમાં ગંગા હું છું. ૩૧.
હે અર્જુન ! સૃષ્ટિઓના આરંભ, અંત અને મધ્ય હું છું. વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા હું છું, અને વિવાદ કરનારાઓનો વાદ હું છું. ૩૨.
અક્ષરોમાં અકાર હું છું, સમાસોમાં દ્વંદ્વ હું છું, ન ખૂટનારો કાલ હું છું, અને બધે અભિમુખ એવો વિધાતા પણ હું છું. ૩૩.
બધાને હરનાર મૃત્યુ હું છું, ભવિષ્યમાં ઉત્પન્ન થનારું ઉત્પત્તિકારણ હું છું, અને નારીજાતિનાં નામોમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, મેઘા (બુદ્ધિ), ધૃતિ (ધીરજ) અને ક્ષમા હું છું. ૩૪.
સામોમાં બૃહત્સામસ્તોત્ર હું છું, છંદોમાં ગાયત્રી છંદ છું, મહિનામાં માર્ગશીર્ષ હું છું. ઋતુઓમાં વસંત હું છું. ૩૫.
છલ કરનારનું દ્યૂત હું છું, પ્રતાપવાનનો પ્રભાવ હું છું, જય હું છું, નિશ્ચય હું છું, સાત્ત્વિક ભાવવાળાનું સત્ત્વ હું છું. ૩૬.
સાત્ત્વિક ભાવવાળાનું સત્ત્વ હું છું. ૩૬.
નોંધ : છલ કરનારનું દ્યૂત હું છું એ વચનથી ભડકવાની જ્રરૂર નથી.અહીં સારાસારનો નિર્ણય નથી, પણ જે કંઈ થાય છે તે ઈશ્વરની રજા વિના નથી થતું એ બતાવવાનો ભાવ છે. અને છલ કરનાર પણ બધું તેને વશ છે એમ જાણીને પોતાનું અભિમાન છોડે ને છલને ત્યજે.
યાદવકુળમાં વાસુદેવ હું છું, પાંડવોમાં ધનંજય (અર્જુન) હું છું, મુનિઓમાં વ્યાસ હું છું, અને કાન્તદર્શી કવિઓમાં ઉશના (શુક્રાચાર્ય) હું છું. ૩૭.
રાજ્યકર્તાનો દંડ હું છું, જય ઇચ્છનારની નીતિ હું છું, ગુહ્ય વાતોમાં મૌન હું છું, અને જ્ઞાનવાનનું જ્ઞાન હું છું. ૩૮.
હે અર્જુન ! બધાં પ્રાણીઓની ઉત્પત્તિનું જે કાંઈ બીજ છે તે હું છું. જે કંઈ સ્થાવર અથવા જંગમ છે તે મારા વિનાનું નથી. ૩૯.
હે પરતંપ ! મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. વિભૂતિનો આટલો વિસ્તાર મેં કેવળ દૃષ્ટાંતરૂપે જ કહ્યો છે. ૪૦.
જે કંઈ પણ વિભૂતિમાન, લક્ષ્મીવાન અથવા પ્રભાવશાળી છે તે તે મારા તેજના અંશથી જ થયેલું જાણ. ૪૧.
અથવા હે અર્જુન ! આ વિસ્તારપૂર્વક જાણીને તું શું કરશે ? મારા એક અંશમાત્રથી આ આખા જગતને ધારણ કરીને હું રહેલો છું. ૪૨.
જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'વિભૂતિ-યોગ' નામનો દસમો અધ્યાય અત્રે પૂરો થાય છે.