અનાસક્તિયોગ/૧૩. ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ-વિભાગ-યોગ

← ૧૨. ભક્તિયોગ અનાસક્તિયોગ
૧૩. ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ-વિભાગ-યોગ
ગાંધીજી
૧૪. ગુણત્રય-વિભાગ-યોગ →



૧૩

ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગ યોગ


આ અધ્યાયમાં શરીર અને શરીરી(આત્મા)નો ભેદ બતાવ્યો છે.

૩૯

श्रीभगवान बोल्याः

હે કૌંતેય! આ શરીર તે ક્ષેત્ર કહેવાય છે, અને જે જાણે છે તેને તત્ત્વજ્ઞાનીઓ ક્ષેત્રજ્ઞ કહે છે. ૧.

અને વળી હે ભારત! બધાં ક્ષેત્રો-શરીરો-ને વિષે રહેલા મને ક્ષેત્રજ્ઞ જાણ. ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞના ભેદનું જ્ઞાન તે જ્ઞાન છે એમ મારો અભિપ્રાય છે. ૨.

એ ક્ષેત્ર શું છે, કેવું છે, કેવા વિકારવાળું છે, ક્યાંથી છે, અને ક્ષેત્રજ્ઞ કોણ, તેની શક્તિ શી છે, એ મારી પાસેથી ટૂંકામાં સાંભળ. ૩.

વિવિધ છંદોમાં, જુદી જુદી રીતે ઋષિઓએ આ વિષયને બહુ ગાયો છે અને દાખલા-દલીલો વડે, નિશ્ચયવાળાં બ્રહ્મસૂચક વાક્યોમાં પણ એનું નિરૂપણ છે. ૪.

મહાભૂતો, અહંતા, બુધ્ધિ, પ્રકૃતિ, દશ ઈંદ્રિયો, એક મન, પાંચ વિષયો; ઇચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતનશક્તિ, ધૃતિ - એ તેના વિકારો સહિત ક્ષેત્ર ટૂંકામાં કહ્યું. ૫-૬.

નોંધઃ મહાભૂતો પાંચઃ પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ. અહંકાર એટલે શરીરને વિશે રહેલી અહંતા, અહંપ્રત્યય, અહંપણું. અવ્યક્ત એટલે અદ્દશ્ય રહેલી માયા, પ્રકૃતિ. દશ ઇન્દ્રિયોમાં પાંચ જ્ઞાનેન્દ્રિય - નાક,કાન, આંખ, જીભ અને ચામડી, તથા પાંચ કર્મેન્દ્રિય - હાથ, પગ, મોં અને બે ગુહ્યેન્દ્રિય. પાંચ ગોચરો એટલે પાંચ જ્ઞાનેન્દ્રિયમા પાંચ વિષયો - સૂંઘવું, સાંભળવું, જોવું, ચાખવું અને અડવું. સંઘાત એટલે શરીરનાં તત્વોની એકબીજાની સાથે સહકાર કરવાની શક્તિ. ધૃતિ એટલે ધૈર્યરૂપી ન ડરવાનો નૈતિક ગુણ નહીં પણ આ શરીરનાં પરમાણુનો એકબીજાને વળગી રહેવાનો ગુણ. આ ગુણ અહંભાવને લીધે જ સંભવે છે, અને આ અહંતા અવ્યક્ત પ્રકૃતિમાં રહેલી છે. અમૂર્છ મનુષ્ય આ અહંતાનો જ્ઞાનપૂર્વક ત્યાગ કરે છે. અને તેથી મૃત્યુ સમયે કે બીજા આઘાતોથી તે દુઃખ પામતો નથી. જ્ઞાનીઅજ્ઞાની બધાને, છેવટે તો, આ વિકારી ક્ષેત્રનો ત્યાગ કર્યે જ છૂટકો છે.

અમાનિત્વ, અદંભિત્વ, અહિંસા, ક્ષમા, સરળતા, આચાર્યની સેવા, શુધ્ધતા, સ્થિરતા,આત્મસંયમ, ઇન્દ્રિયોના વિષયોને વિશે વૈરાગ્ય, અહંકાર-રહિતતા, જન્મ, મરણ, જરા, વ્યાધિ વિશે રહેલાં દુઃખ તેમ જ દોષોનું નિરંતર ભાન, પુત્ર, સ્ત્રી, ઘર વગેરેમાં મોહમમતાનો અભાવ, પ્રિય કે અ પ્રિય જે આવી પડે તેને વિશે નિત્ય સમાનવૃત્તિ, મારે વિશે અનન્ય ધ્યાનપૂર્વક એક્નિષ્ઠ ભક્તિ, એકાન્ત સ્થળનું સેવન, જનસમૂહમાં ભળવાનો અણગમો, આધ્યાત્મિક જ્ઞાન વિશે સ્થિરનિષ્ઠા, આત્મદર્શન - આ બધું તે જ્ઞાન કહેવાય. એથી ઊલટું તે અજ્ઞાન. ૭-૮-૯-૧૦-૧૧.

જેને જાણીને માણસ મોક્ષ પામે છે તે જ્ઞેય શું છે તે તેને હવે કહીશ. તે અનાદિ પરબ્રહ્મ છે, તે ન કહેવાય સત્, ન કહેવાય અસત્. ૧૨.

નોંધઃ પરમેશ્વરને સત્ અથવા અસત્ એક્કે ન કહેવાય. કોઈ એક શબ્દ વડે તેની વ્યાખ્યા કે ઓળખ ન થઇ શકે એવું ગુણાતીત સ્વરૂપ છે.

તેને હાથ, પગ, આંખ, માથું, મોઢું અને કાન બધે જ છે. આ લોકમાં તે બધું વ્યાપીને રહેલ છે. ૧૩.

બધી ઇન્દ્રિયોના ગુણોનો આભાસ તેને વિશે થાય છે તોયે તે સ્વરૂપ ઇન્દ્રિય વિનાનું ને સર્વથી અલિપ્ત છે. છતાં સર્વને ધારણ કરનાર છે; તે ગુણરહિત છે છતાં ગુણોનું ભોક્તા છે. ૧૪.

તે ભૂતોની બહાર છે ને અંદર પણ છે, તે ગતિમાન છે અને સ્થિર પણ છે. સૂક્ષ્મ ન હોવાથી ન જણાય તેવું છે. તે દૂર છે ને નજીક છે. ૧૫.

નોંધઃ જે તેને ઓળખે છે તે તેની અંદર છે. ગતિ અને સ્થિરતા, શાંતિ અને અશાંતિ બંને આપણે અનુભવીએ

છીએ, અને એ બધા ભાવો તેનામાંથી જ પેદા થાય છે તેથી તે ગતિમાન અને સ્થિર બંને છે.

તે અવિભક્ત હોવા છતાં ભૂતોને વિશે વિભક્તના જેવું પણ રહેલ છે. તે જાણવાયોગ્ય (બ્રહ્મ) પ્રાણીઓનું પાલક, નાશક ને ફરી ઉત્પન્નક્રર્તા છે. ૧૬.

જ્યોતિઓનું પણ તે જ્યોતિ છે, અંધકારથી તે પર કહેવાય છે. જ્ઞાન તે જ, જાણવાયોગ્ય તે જ, અને જ્ઞાનથી જે પમાય છે તે પણ તે જ છે. એવું તે બધાંનાં હૃદયને વિશે રહેલ છે. ૧૭.

આમ ક્ષેત્ર,જ્ઞાન, અને જ્ઞેયને વિશે મેં ટૂકામાં કહ્યું. મારો ભક્ત તે જાણીને મારા સ્વરૂપ સુધી પહોંચવાને યોગ્ય બને છે. ૧૮.

૪૦

પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ છે; અને એમ પણ જાણે કે તમામ વિકારો અને ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે. ૧૯.

કાર્ય-કારણ-સંબંધી ઉત્પત્તિ પ્રકૃતિને લીધે મનાય છે. જ્યરે સુખ-દુઃખનું ભોગવવાપણું પુરુષને લીધે મનાય છે. ૨૦.

પ્રકૃતિને વિશે રહેલો પ્રકૃતિથી ઉત્પન્ન થતા ગુણોને ભોગવે છે,અને આ ગુણસંગ જ સારીનરસી યોનિમાં તેના જન્મનું કારણ બને છે. ૨૧.

નોંધઃ પ્રકૃતિને આપણે માયાને નામે લૌકિક ભાષામાં ઓળખીએ છીએ. પુરુષ તે જીવ છે. માયાને એટલે કે મૂળ સ્વભાવને વશ વર્તીને જીવ સ્ત્ત્વ, રજસ્ અથવા તમસ્ થી થતાં કાર્યોનાં ફળ ભોગવે છે અને તેથી કર્મ પ્રમાણે પુનર્જન્મ પામે છે. આ દેહને વિશે રહેલો તે પરમ્પુરુષ, સર્વસાક્ષી, અનુમંતા (અનુમતિ દેનારો), ભર્તા, ભોક્તા, મહેશ્વર અને પરમાત્મા પણ કહેવાય છે. ૨૨.

જે મનુષ્ય આમ પુરુષને અને ગુણમયી પ્રકૃતિને જાણે છે તે સર્વ રીતે કાર્ય કરતો છતો ફરી જન્મ પામતો નથી. ૨૩.

નોંધઃ ૨, ૯, ૧૨ અને ઇતર અધ્યાયોની સહાયથી આપણે જાણી શકીએ છીએ કે આ શ્લોક સ્વેચ્છાચારનું સમર્થન કરનારો નથી પણ ભક્તિનો મહિમા સૂચવનારો છે. કર્મમાત્ર જીવને બંધનકારક છે, પણ માણસ જો પોતાનાં બધાં કર્મો પરમાત્માને અર્પણ કરે તો તે બંધનમુક્ત થાય છે. આમ જેનામાંથી કર્તાપણારૂપી અહંભાવ નાશ પામ્યો છે અને જે અંતર્યામીને ચોવીસે કલાક ઓળખી રહ્યો છે તે પાપકર્મ નહીં જ કરે. પાપનું મૂળ જ અભિમાન છે. 'હું' મટ્યો ત્યાં પાપ સંભવે નહી. આ શ્લોક પાપકર્મ ન કરવાની યુક્તિ બતાવે છે.

કોઈ ધ્યાનમાર્ગથી આત્મા વડે આત્માને પોતાને વિશે જુએ છે. કેટલાક જ્ઞાનમાર્ગથી. જ્યારે બીજા કેટલાક કર્મમાર્ગથી. ૨૪.

વળી કોઈ આ માર્ગોને ન ઓળખતા બીજાઓની પાસેથી પરમાત્માને વિશે સાંભળીને, સાંભળેલા ઉપર શ્રધ્ધા રાખી, તેમાં પરાયણ રહી ઉપાસના કરે છે ને તેઓ પણ મ્રુત્યુયુક્ત સંસારને ઓળંગી જાય છે. ૨૫.

૪૧

જે કંઈ વસ્તુ ચર અથવા અચર ઉત્પન્ન થાય છે તે હે ભરતર્ષભ! ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના, એટલે કે પ્રકૃતિ-પુરુષના સંયોગથી થાય છે એમ જાણ. ૨૬.

અવિનાશી પરમેશ્વરને સર્વ નાશવંત પ્રાણીઓને વિશે સમભાવે રહેલો જે જાણે છે તે જ તેને ઓળખે છે. ૨૭. જે મનુષ્ય ઈશ્વરને સર્વત્ર સમભાવે રહેલો જુએ છે તે પોતે પોતાનો ઘાત કરતો નથી ને પરમગતિને પામે છે. ૨૮.

નોંધઃ સમભાવે રહેલા ઈશ્વરને જોનારો પોતે તેમાં શમી જાય છે ને બીજું કશું જોતો નથી. તેથી વિકારવશ થતો નથી; પરિણામે મોક્ષ પામે છે. પોતાનો શત્રુ નથી બનતો.

બધેય પ્રકૃતિ જ કર્મો કરે છે એમ જે સમજે છે અને તેથી આત્માને અકર્તારૂપે જાણે છે તે જ ખરો જાણકાર છે.૨૯.

નોંધઃ જેમ ઊંંઘતા મનુષ્યનો આત્મા ઊંઘનો કર્તા નથી, પણ પ્રકૃતિ નિદ્રાનું કર્મ કરે છે તેમ. નિર્વિકાર પુરુષની આંખ કશું મેલું નહીં જુએ. પ્રકૃતિ પોતે વ્યભિચારિણી નથી. અભિમાની પુરુષ જ્યારે તેનો સ્વામી બને છે ત્યારે તે મેળાપમાંથી વિષયવિકાર ઉત્પન્ન થાય છે.

જ્યારે તે (જાણકાર) જીવોની હસ્તી નોખી છતાં એકમાં જ રહેલી જુએ છે અને બધો વિસ્તાર તે (એક)માંથી થયેલો સમજે છે ત્યારે તે બ્રહ્મને પામે છે.૩૦.

નોંધઃ અનુભવે બધું બ્રહ્મમાં જ જોયું તે જ બ્ર્હ્મને પામવું છે. ત્યારે જીવ શિવથી નોખો નથી રહેતો.

હે કૌંતેય! આ અવિનાશી પરમાત્મા અનાદિ અને નિર્ગુણ હોવાથી શરીરમાં રહેતો છતો નથી કંઈ કરતો ને નથી કશાથી લેપાતો. ૩૧.

જેમ સર્વવ્યાપી આકાશ સૂક્ષ્મ હોવાથી લેપાતું નથી, તેમ સર્વ દેહને વિશે રહેલો આત્મા લેપાતો નથી. ૩૨.

જેમ એક જ સૂરજ આ આખા જગતને પ્રકાશ આપે છે, તેમ હે ભારત! ક્ષેત્રી આખા ક્ષેત્રને પ્રકાશે છે. ૩૩.

આ રીતે જેઓ જ્ઞાનચક્ષુ વડે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો ભેદ તથા પ્રકૃતિના બંધનથી પ્રાણીઓની મુક્તિ કેમ થાય છે તે જાણે છે તે બ્રહ્મને પામે છે. ૩૪.

ૐતત્સત્

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રી ભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ-વિભાગ-યોગ' નામનો તેરમો અધ્યાય અત્રે પૂરો થાય છે.